BREAKING NEWS

શું છે સૂર્ય કિરણ એરોબેટીક ટીમ? છ મહિના સખત તાલીમ લે છે, જાણો ટીમનો ઇતિહાસ

  • December 03, 2025 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય વાયુ સેના અને રાજકોટ મહાપાલિકા દ્વારા તા.૭ને રવિવારના રોજ સવારે ૧૦ કલાકે અટલ સરોવર આસપાસના સ્માર્ટ સીટીના વિસ્તાર (અટલ સરોવર ફરતે)ના આકાશમાં અદભુત સૂર્યકિરણ એર-શો, એરફોર્સ બેન્ડનું પરફોર્મન્સ અને શસ્ત્ર પ્રદર્શન યોજાશે. આ ઉપરાંત એક દિવસ અગાઉ એટલે કે તા.૬ને શનિવારે સવારે ૧૦ કલાકે સૂર્યકિરણ એર-શોનું ફૂલ ડ્રેસ રિહર્સલ યોજાશે.

એર શો અંગે આજે સવારે અટલ સરોવર ખાતે મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી, આ પત્રકાર પરિષદને સંબોધન કરતા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, ભારતના ગૌરવ અને શૌર્યની પ્રતીક એવી ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટિક ડીસ્પ્લે ટીમ દિલધડક અવકાશી પરફોર્મન્સ પ્રદર્શિત કરી શહેરીજનોને મંત્રમુગ્ધ કરી દેશે.

વધુમાં કમિશનર સુમેરાએ જણાવ્યું હતું કે, આ એરશો દરમ્યાન જામનગરથી ઉડાન ભરનાર ૯ કે તેથી વધુ પ્લેનની ટીમ સ્માર્ટ સીટી એરિયા ઉપર એરોબેટિક ડીસ્પ્લે રજુ કરશે. થોડા સમય પૂર્વે દુબઈમાં યોજાયેલ એરશોમાં પણ સૂર્યકિરણ ટીમ દ્વારા પરફોર્મન્સ આપવામાં આવ્યું હતું. સામાન્ય રીતે એરશોનો સમયગાળો ૩૦ મીનીટ જેવો હોય છે પરંતુ રાજકોટમાં એક કલાક જેવો સમય ફાળવવામાં આવ્યો છે. સાથોસાથ એરફોર્સ બેન્ડની સુરાવલી સાંભળવાની પ્રથમવાર તક મળે તે પણ ગૌરવની વાત છે.વાયુ સેનાના નવ જેટલા વિમાનો દ્વારા આકાશમાં એક કલાક દિલધડક સ્ટંટ રાજકોટવાસીઓના મન મોહી લેશે. યુવાઓમાં એરફોર્સમા કારકિર્દી અંગે ઉત્સાહ વધારવા એર શોનું આયોજન કરવામાં આવ્યું છે.

વિશેષમાં મ્યુનિસિપલ કમિશનરએ ઉમેર્યું હતું કે ગરુડ કમાન્ડોના શસ્ત્રોનું પણ પ્રથમ વખત પ્રદર્શન યોજાનાર છે. ભારતીય વાયુ સેના દ્વારા રાજકોટમાં એરશો ઉપરાંત એરફોર્સ બેન્ડ અને ડીફેન્સના હથિયારોનું પ્રદર્શન એમ ત્રણ પ્રકારના ડિસ્પ્લેની મંજૂરી આપવામાં આવેલ હોઈ, રાજકોટ મહાનગરપાલિકા ભારતીય વાયુ સેનાનો આભાર વ્યકત કરે છે.

ઉપરોક્ત પત્રકાર પરિષદમાં શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવભાઈ દવે, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીનભાઈ ઠાકરે ઉપસ્થિત સૌને આવકારી પત્રકાર પરિષદનો શુભારંભ કરાવ્યો હતો.


શો જોવા બે કલાક વ્હેલા આવજો:કમિશનર

મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સમગ્ર અટલ સરોવર ફરતે સ્માર્ટ સિટી વિસ્તારમાં આ એર શો સારી રીતે નિહાળી શકાશે. લોકો સારી રીતે એર શો નિહાળી શકે તે માટે અટલ સરોવર બહાર બેસીને અથવા ઊભા રહી શકે તે રીતે વ્યુઈંગ સ્થળો જાહેર કરવામાં આવશે. લોકોની સેફટી માટે બીઆરટીએસ કોરિડોર ખાલી રાખવા તથા લોકોને વ્યવસ્થાપનના ભાગરૂપે બે કલાક પહેલા સ્થળ પર પહોંચી જવા અનુરોધ કરવામાં આવે છે.


મહાપાલિકા વ્યૂઇંગ એરિયા મેપ શેર કરશે

મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જાહેર જનતાને ખાસ અપીલ કરતા એમ જણાવ્યું હતું કે, સ્માર્ટ સીટી એરિયામાં અટલ સરોવરની આસપાસના રસ્તાઓ પર જુદી-જુદી જગ્યાએ વ્યુઈંગ એરિયા નક્કી કરવામાં આવી રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારના સ્થળોનો નકશો તૈયાર કરી લોકોને શેર કરવામાં આવશે, જ્યાં લોકો રસ્તા પર કે આજુબાજુના ખુલ્લા પ્લોટમાં ઉભા રહીને અને બેસીને પણ એરશો નિહાળી શકશે.

શું છે સૂર્ય કિરણ એરોબેટીક ટીમ?

સૂર્યકિરણ એ ભારતીય વાયુ સેનાની એરોબેટીક ડિસ્પ્લે ટીમ છે. આ ટીમમાં કુલ 9 BAe Hawk Mk132 એરક્રાફ્ટ શામેલ છે, જે કર્ણાટકના બિદર એરબેઝથી ઓપરેટ કરે છે. આ એરોબેટીક ટીમ સમગ્ર દક્ષિણ એશિયાની એકમાત્ર એરોબેટીક ડિસ્પ્લે ટીમ છે અને વિશ્વની સર્વશ્રેષ્ટ એરોબેટીક ટીમની યાદીમાં ઉચ્ચ સ્થાન અને વિશ્વાસનિયતા ધરાવે છે.



એરફોર્સની એરોબેટિક ટીમનો ઇતિહાસ

-ભારતીય વાયુ સેનામાં સૌ પ્રથમ એરોબેટીક ટીમની રચના વર્ષ ૧૯૮૨માં એર ફોર્સની ગોલ્ડન જયુબિલીના પ્રસંગે રચવામાં આવી હતી. ૧૯૯૦માં આ ટીમને પુનઃ સ્થાપિત કરીને ચાર ભારતીય બનાવટના HAL HJT 16 કિરણ Mk II જેટ ટ્રેનરનો તેમાં સમાવેશ થયો હતો.

૨૭ મે, ૧૯૯૬માં તેમાં નવા બે વિમાનો ઉમેરીને તેને સૂર્ય કિરણ નામ આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમનું પ્રથમ નિદર્શન ૮ ઓક્ટોબરે રોજ ભારતીય વાયુ સેના દિવસની ઉજવણીમાં પાલમ ખાતે કરવામાં આવ્યું હતું.


પ્લેનની ઝડપ પ્રતિ કલાકના ૧૫૦ કિમી

- ઉલ્લેખનીય છે કે આ વિમાન ઉડાડતી વખતે અને ખાસ કરીને દિલધડક સ્ટંટ કરતી વખતે પાઇલોટ દ્વારા 5g -6g જેટલો ગુરુત્વ પ્રવેગનો અનુભવ થાય છે. સૂર્યકિરણના એડવાન્સ વિમાનો વિવિધ ફ્લાઇટ ડિઝાઇન અને પેટર્ન બનાવવા માટે એરોસોલનો ઉપયોગ કરે છે. વિમાન 150 કિમી/કલાક (93 માઇલ પ્રતિ કલાક) થી 600 કિમી/કલાક (370 માઇલ પ્રતિ કલાક) ની ઝડપે ઉડે છે અને દાવપેચ કરતી વખતે 1,100 કિમી/કલાક (680 માઇલ પ્રતિ કલાક) સુધીની ઝડપે પહોંચી શકે છે. દાવપેચ પાઇલટ્સને +6 અને -1.5 વચ્ચે વૈકલ્પિક જી-ફોર્સનો (ગુરુત્વાકર્ષણબળ) સામનો કરવો પડે છે.


એક એર શો માટે છ મહિનાની ટ્રેનિંગ

સૂર્ય કિરણ એરોબેટિક ટીમ (SKAT) એ ભારતીય વાયુસેનાનું ખાસ એરોબેટિક્સ સ્ક્વોડ્રન છે, જે લાલ અને સફેદ HAWK Mk-132 ટ્રેનર જેટ ઉડાવવા માટે જાણીતું છે. તેમના એર શોમાં વિવિધ પ્રકારની રચનાઓ અને દાવપેચ દર્શાવવામાં આવે છે, જેમ કે DNA મેન્યુવર, બેરલ રોલ્સ અને હાર્ટ લૂપ્સ, જે ઘણીવાર નવ એરક્રાફ્ટ ફોર્મેશનમાં કરવામાં આવે છે. આ ટીમ છ મહિના માટે સખત તાલીમ લે છે અને અન્ય છ માટે પ્રદર્શન કરે છે, તેમના શો ચોકસાઇ ઉડાન દર્શાવવા અને યુવાનોને સશસ્ત્ર દળોમાં જોડાવા માટે પ્રેરણા આપવા માટે રચાયેલ છે.


હાર્ટ લુપ્સ અને બેરલ રોલ્સ રજૂ કરશે

* વિમાન: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ હોક Mk-132 ટ્રેનર જેટ

* સૂત્ર: સદૈવ સર્વોત્તમ (હંમેશા શ્રેષ્ઠ)

* રચના: નવ વિમાનોના જૂથમાં પ્રખ્યાત પ્રદર્શન કરે છે, જે તેમને વિશ્વની આવી થોડી ટીમોમાંની એક બનાવે છે

* તાલીમ: છ મહિનાની સઘન તાલીમ અને રિહર્સલના સખત વાર્ષિક ચક્રમાંથી પસાર થાય છે, ત્યારબાદ છ મહિનાના પ્રદર્શન

* મુખ્ય દાવપેચ: હાર્ટ લૂપ્સ, બેરલ રોલ્સ અને તેમના સિગ્નેચર ડીએનએ દાવપેચ સામેલ છે


એર શોના આયોજનના ઉદેશ્ય

નાગરિકો અને ખાસ કરીને બાળકો તથા યુવાઓને ભારતીય સશસ્ત્રદળ અને એરફોર્સમાં જોડાવા માટે પ્રેરિત કરવા તથા ભારતીય વાયુ સેનાની શૌર્ય અને ગૌરવથી ભરપૂર કામગીરીથી સામાન્ય નાગરિકોને વાકેફ કરવાનો મુખ્ય ઉદેશ્ય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application