ગુજરાતમાં ચોમાસાનો મિજાજ ફરી એકવાર બરાબરનો જામ્યો છે અને મેઘરાજા સમગ્ર રાજ્યમાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૫૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડમાં પોણા ચાર ઇંચ જેટલો મુસળધાર વરસાદ વરસ્યો છે, જ્યારે નવસારીના ખેરગામમાં પણ ૩ ઇંચ જેટલી મેઘમહેર નોંધાઈ છે. આ સિવાય અન્ય ૨૩ તાલુકાઓમાં ૧ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. અમદાવાદ શહેર સહિત વિવિધ વિસ્તારોમાં આજે સવારથી જ આશ્રમ રોડ, રિવરફ્રન્ટ જેવા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, વર્તમાન સમયે એકસાથે ૬ વિવિધ હવામાન સિસ્ટમો સક્રિય થઈ છે. જેમાં શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને અન્ય એક ટ્રફ સિસ્ટમનો સમાવેશ થાય છે. આ તમામ સિસ્ટમોના પ્રભાવ હેઠળ રાજ્યમાં આગામી સાત દિવસ સુધી સાર્વત્રિક વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજના દિવસે દમણ, દાદરા નગર હવેલી અને રાજ્યના ૯ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે.
સ્વાતંત્ર્ય પર્વ એટલે કે ૧૫ ઓગસ્ટના દિવસે પણ તાપી, ડાંગ સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સમુદ્રમાં કરંટ અને ઊંચા મોજાં ઉછળવાની શક્યતા હોવાથી ૧૪, ૧૬ અને ૧૭ ઓગસ્ટ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની કડક ચેતવણી અને સૂચના જારી કરવામાં આવી છે. રાજ્યમાં મોસમનો સરેરાશ સામાન્ય વરસાદ અત્યાર સુધીમાં ૪૯૪.૫ મિલીમીટર થવો જોઈતો હતો, જેની સામે અત્યાર સુધીમાં ૫૦૧.૬ મિલીમીટર નોંધાયો છે, જે સામાન્ય કરતાં ૧ ટકા વધુ છે.
અમદાવાદ શહેરની વાત કરીએ તો, અહીં આજે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે દિવસ દરમિયાન એકથી બે સ્પેલમાં હળવાથી મધ્યમ વરસાદની પૂરેપૂરી શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન ૨૯.૫ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૫.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ૧ જૂનથી શરૂ થયેલી ચાલુ સિઝનમાં અમદાવાદમાં કુલ ૫૮૩.૨ મિલીમીટર વરસાદ પડી ચૂક્યો છે, જે સીઝનના સામાન્ય વરસાદ કરતા ૯૩.૯ મિલીમીટર વધુ નોંધાયો છે.