BREAKING NEWS

ગુજરાત પર 5 વરસાદી સિસ્ટમ સક્રિય, સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં મેઘરાજા તૂટી પડશે, જાણો હવામાન વિભાગની આગાહી

  • July 31, 2026 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં ચોમાસુ પૂર્ણ બહારે ખીલ્યું છે અને રાજ્યભરમાં સાર્વત્રિક ભારે વરસાદનો બીજો તબક્કો શરૂ થઈ ચૂક્યો છે. હવામાન વિભાગના ઉચ્ચ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમારથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. આજે સમગ્ર ગુજરાતમાં વિઝિબિલિટી ઘટે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તેવી તીવ્રતા સાથે વરસાદી માહોલ જામી શકે છે.


હવામાનમાં આવેલા આ મોટા પલટા પાછળ એકસાથે અસરો સર્જતી અલગ-અલગ પાંચ હવામાન પ્રણાલીઓ (વરસાદી સિસ્ટમ) જવાબદાર છે. હાલમાં ડિપ્રેશન, ઓફ-શોર ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શીયર ઝોન અને મોન્સૂન ટ્રફ એકસાથે સક્રિય થતાં વરસાદનો આક્રમક પિચ જોવા મળી રહ્યો છે. અગાઉ સક્રિય થયેલું ડીપ ડિપ્રેશન હવે તીવ્રતા ઘટીને ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે, જે ટૂંક સમયમાં વેલમાર્ક લો-પ્રેશર સિસ્ટમમાં ફેરવાઈ જશે.


આગામી ૨૪ કલાક દરમિયાન ખાસ કરીને મધ્ય અને સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓ ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ અને ખેડામાં 'અત્યંત ભારે' વરસાદની સંભાવનાને પગલે હવામાન વિભાગ દ્વારા 'રેડ એલર્ટ' જારી કરવામાં આવ્યું છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના નર્મદા અને સુરત જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘગર્જના, ઝંઝાવાતી પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી ઝાપટાં પડવાની પૂરતી શક્યતાઓ છે.


દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ અત્યંત ઝડપી રહેવાની અને દરિયામાં ઊંચા મોજાં ઉછળવાની સંભાવના હોવાથી તંત્ર દ્વારા માછીમારો માટે ખાસ સૂચના જાહેર કરાઈ છે. આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે રાજ્યના નદી-નાળાઓ બે કાંઠે વહેતા થઈ શકે છે, જેને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application