BREAKING NEWS

ગુજરાતમાં 12થી 15 સપ્ટેમ્બર ભારેથી અતિભારે વરસાદનું એલેર્ટ: લો પ્રેશર સક્રિય થતાં હવામાન વિભાગની આગાહી

  • September 10, 2026 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થવાની તૈયારીમાં છે. રાજ્યમાં નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની સત્તાવાર આગાહી કરવામાં આવી છે. આગામી 12 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર જોવા મળશે. લો પ્રેશરની તીવ્રતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા રાજ્યભરમાં અલગ-અલગ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ભેજવાળા પવનો અને સિસ્ટમની સક્રિયતાને કારણે આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસી શકે છે.

આગાહીના પ્રથમ દિવસે એટલે કે 12 સપ્ટેમ્બરના રોજ રાજ્યના મુખ્ય શહેરો અને જિલ્લાઓમાં વરસાદી માહોલ જામશે. અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, સુરત, વડોદરા અને અમરેલી સહિતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાને પગલે 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ 13 સપ્ટેમ્બરના રોજ લો પ્રેશર સિસ્ટમ વધુ મજબૂત બનતાં સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ દિવસે ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ આકાશમાંથી મુશળધાર પાણી પડે તેવી પૂરેપૂરી સંભાવના છે.

વરસાદી રાઉન્ડનો સૌથી વધુ પ્રભાવ 14 સપ્ટેમ્બરના રોજ જોવા મળી શકે છે. આ દિવસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી સાથે 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે. ખાસ કરીને ભાવનગર, અમરેલી, નવસારી, ડાંગ તેમજ સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે. આ જ દિવસે સૌરાષ્ટ્રના અન્ય મહત્વના જિલ્લાઓ જેવા કે રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં પણ મુશળધાર વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જારી કરાયું છે. 15 સપ્ટેમ્બરે પણ વરસાદનું જોર યથાવત રહેશે અને જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર તથા દેવભૂમિ દ્વારકામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગની આ ગંભીર આગાહીને પગલે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર પૂરેપૂરું એલર્ટ થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને જરૂર વગર બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. ભારે વરસાદના કારણે નદી-નાળામાં પાણીનું સ્તર વધવાની શક્યતા હોવાથી દરિયાકાંઠાના વિસ્તારોમાં તકેદારી રાખવા અને માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ખેડૂતો માટે આ વરસાદ પાક માટે ઉપયોગી સાબિત થઈ શકે છે, પરંતુ અતિભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જવાનું જોખમ પણ રહેલું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application