જામ્યુકો દ્વારા ગણેશ વિસર્જન માટે બે સ્થળે કુંડ તૈયાર થશે
જામનગર શહેરમાં ગણેશ મહોત્સવને લઈને મહાનગરપાલિકા દ્વારા ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. શહેર અને આસપાસના વિસ્તારોમાં રહેણાંક મકાનો, એપાર્ટમેન્ટ, સોસાયટી તથા મહોલ્લાઓમાં સ્થાપિત કરવામાં આવતી ગણેશજીની મૂર્તિઓનું પર્યાવરણને અનુકૂળ રીતે વિસર્જન થઈ શકે તે માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા બે સ્થળે વિશાળ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
મહાનગરપાલિકાની પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખા દ્વારા કરવામાં આવી રહેલી વ્યવસ્થા અંતર્ગત પ્રથમ વિસર્જન કુંડ સમર્પણ સર્કલથી બાયપાસ ચોકડી તરફ એરપોર્ટ રોડ પર, બાયપાસ ચોકડીથી આશરે ૨૫૦ મીટર આગળ તથા બાયપાસ ચોકડીથી હોટેલ કેશવારસની સામે, કાઠિયાવાડી હોટેલ તરફથી આવતા યુ-ટર્નના માર્ગ પર બનાવવામાં આવશે. જ્યારે બીજો વિસર્જન કુંડ લાલપુર બાયપાસથી રણજીત સાગર રોડ પર સરદાર રિવેરા સોસાયટીના અંદરના ભાગમાં તૈયાર કરવામાં આવશે. બંને સ્થળે કૃત્રિમ વિસર્જન કુંડ તૈયાર કરવા માટે વિશાળ ખાડો બનાવી તેમાં માટીની બેગો ગોઠવી ત્યારબાદ પ્લાસ્ટિક પાથરવાની અને તેમાં પાણી ભરી વિસર્જન કુંડ તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તૈયાર થનારા કુંડ આશરે ૫૦ મીટર લાંબા અને ૨૦ મીટર પહોળા હશે, જ્યારે કુંડની ઊંડાઈ પણ છેવાડે ૧૦ ફૂટ રાખવામાં આવશે જેથી ગણેશજીની મૂર્તિઓનું સલામત રીતે વિસર્જન થઈ શકે.
ગણેશ ભક્તોને વિસર્જન માટે કોઈ અગવડ ન પડે તે માટે બંને સ્થળે જરૂરી વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી રહી છે. ભક્તો સ્થળ પર આવી ગણેશજીની પૂજા અને આરતી કરી શકે તે માટે ટેબલ સહિતની સુવિધા, પીવાનું પાણી, લાઇટિંગ, પાર્કિંગ તથા અન્ય જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે ગણેશ મહોત્સવ દરમિયાન સ્થાપિત કરવામાં આવેલી તમામ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલા આ બંને વિસર્જન કુંડમાં જ કરવામાં આવે અને પર્યાવરણની જાળવણીમાં સહભાગી બને. મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયા, ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ કમિશનર ભાવેશ જાની તેમજ પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખાના રાજીવ જાની સહિતની ટીમ દ્વારા વિસર્જન કુંડ અને તેની સાથે સંકળાયેલી મનોજ રાઠોડ, નીરવ પરમાર સહિતની ટિમ દ્વારા સમગ્ર વ્યવસ્થાનું આયોજન અને દેખરેખ રાખવામાં આવી રહી છે. મહાનગરપાલિકાની આ વ્યવસ્થાથી શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાપિત થતી ગણેશજીની મૂર્તિઓનું સુવ્યવસ્થિત અને પર્યાવરણને અનુકૂળ રીતે વિસર્જન થઈ શકશે.