સુરતમાં ગત ૧૩ જુલાઈના રોજ આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી કાયદો હાથમાં લઈને માર મારવાના ચર્ચિત ઘટનાક્રમમાં ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. આજે હાથ ધરાયેલી સુઓમોટો સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી હતી કે ઘટનામાં સામેલ ડીસીપી રાજદીપસિંહ નકુમ એક વરિષ્ઠ અને ઉચ્ચ હોદ્દો ધરાવતા અધિકારી છે. તેઓ જો એ જ પદ પર રહેશે તો નીચેના કર્મચારીઓ તેમની વિરુદ્ધ મુક્તપણે બોલી શકશે નહીં, આથી નિષ્પક્ષ અને ન્યાયી તપાસ માટે તેમની તાત્કાલિક ધોરણે અન્યત્ર બદલી કરવી અનિવાર્ય છે.
સમગ્ર વિવાદની વિગત મુજબ, સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં ઝડપાયેલા પાંચ આરોપીઓનું જાહેર રસ્તા પર સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ દરમિયાન ડીસીપી રાજદીપસિંહ નકુમે સુપ્રીમ કોર્ટ અને ડીજીપીના આદેશોની અવહેલના કરીને કાયદો હાથમાં લીધો હતો. તેમણે જાહેર રસ્તાઓ પર થોડે-થોડે અંતરે આરોપીઓના વાળ પકડીને તમાચા ફટકાર્યા હતા અને લાકડીઓ વડે જાહેરમાં માર માર્યો હતો. આ આખા સરઘસ દરમિયાન ડીસીપીએ આરોપીઓ પર પચ્ચીસથી વધુ લાકડીના ફટકા માર્યા હોવાનું વીડિયોમાં સામે આવ્યું હતું.
કોર્ટમાં સરકારી વકીલે બચાવપક્ષે રજૂઆત કરી હતી કે ડીજીપીના આદેશથી સુરત પોલીસ કમિશનરે એડિશનલ સીપી (ક્રાઇમ)ને આ સમગ્ર ઘટનાની તપાસ સોંપી છે અને વીડિયોમાં દેખાતા લોકોના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે. તેના પર હાઈકોર્ટે ટકોર કરતા જણાવ્યું હતું કે, આ માત્ર એક પ્રાથમિક તપાસ છે. ડીસીપી પોતે જ ઘટનાસ્થળે પ્રત્યક્ષ હાજર હતા અને તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હોવાથી આ ગંભીર ઘટનાનો કોઈ પણ સંજોગોમાં ઇનકાર થઈ શકે નહીં.
સુનાવણી દરમિયાન કોર્ટ મિત્રએ ભૂતકાળના મહત્વપૂર્ણ ચુકાદાઓ અને સર્ક્યુલર ટાંકીને કોર્ટને ધ્યાન દોર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯માં જાહેર કરાયેલા સર્ક્યુલર મુજબ આરોપીઓને દોરડાથી બાંધવા, સરઘસ કાઢવું, હાથકડી પહેરાવવી કે જનતા સામે દેખાડો કરવા પર સખત પ્રતિબંધ છે. આ ઉપરાંત ૨૦૨૨માં ખેડામાં બનેલી આવી જ ઘટના બાદ જાહેર કરાયેલા કડક સર્ક્યુલર મુજબ, આરોપીઓને જાહેરમાં માર મારવો, ઉઠક-બેઠક કરાવવી, ઘૂંટણીએ ચલાવવો કે માફી મંગાવવી ગેરકાયદેસર છે. આવું કૃત્ય કરનાર પોલીસ કર્મચારી સામે કડક કાર્યવાહીની જોગવાઈ છે, જેના માટે ડીવાયએસપી, એસીપી, ડીસીપી, જેસીપી અને સીપી જેવા ઉચ્ચ અધિકારીઓ સીધા જવાબદાર ગણાશે.
હાઈકોર્ટની કડક ટીપ્પણીઓ બાદ સરકારી વકીલે વિનંતી કરી હતી કે કોર્ટ આ અંગે હુકમમાં કોઈ નકારાત્મક નોંધ ન લે, કારણ કે રાજ્ય સરકાર સ્વયં આ મામલાની ગંભીરતા સમજે છે અને યોગ્ય કાનૂની તથા વહીવટી પગલાં ભરશે. આગામી શુક્રવાર સુધીમાં સરકાર દ્વારા લેવાયેલાં કડક પગલાં અંગેનો વિગતવાર રિપોર્ટ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટે સરકારી વકીલની આ બાંહેધરી માન્ય રાખીને કેસની વધુ સુનાવણી આગામી શુક્રવાર સુધી મુલતવી રાખી છે.