BREAKING NEWS

રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ...પતિએ પત્નીને હથોડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી

  • May 29, 2026 01:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રંગીલા રાજકોટ શહેરમાં વધુ એક સનસનાટીભરી હત્યાની ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે પતિએ પોતાની જ પત્નીની ઘાતકી હત્યા કરી નાખી છે. ચાર દીવાલો વચ્ચે થયેલા આ લોહીયાળ ખેલમાં પતિએ પત્નીના માથાના ભાગે હથોડીના ઘા ઝીંકી તેને હંમેશા માટે મોતના મુખમાં ધકેલી દીધી હતી. ધોળા દિવસે બનેલી આ કાળજું કંપાવી દેનારી ઘટનાને પગલે સમગ્ર રૈયા રોડ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી અનુસાર, પતિ અને પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી કોઈ બાબતે અણબનાવ ચાલી રહ્યો હતો. આ કલહ આજે એટલો ઉગ્ર બન્યો હતો કે પતિએ આવેશમાં આવીને ઘરમાં પડેલી લોખંડની હથોડી વડે પત્ની પર જીવલેણ હુમલો કરી દીધો હતો. માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાના કારણે લોહીલુહાણ હાલતમાં પત્નીએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. પત્નીને યમલોક પહોંચાડી દીધા બાદ આસપાસના લોકોને ઘટનાની જાણ થતાં જ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.


પોલીસ કાફલો ઘટનાસ્થળે: મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો

ઘટનાની જાણ આસપાસના સ્થાનિકો દ્વારા તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને જોતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે તુરંત જ ક્રાઈમ સીનને કોર્ડન કરી પુરાવા એકત્રિત કરવાની તજવીજ શરૂ કરી હતી. ત્યારબાદ પત્નીના મૃતદેહને કબજે કરી, કાયદેસરના પંચનામાની વિધિ પૂર્ણ કરીને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટની સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. યુનિવર્સિટી પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને હત્યારા પતિની અટકાયત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application