BREAKING NEWS

ગુજરાત હાઇકોર્ટનો સ્ટેમ્પ એકટ અંગે મહત્વનો ચુકાદો: ભાગીદારી પેઢીના પુનર્ગઠનના દસ્તાવેજો પરત્વે રૂ.22 કરોડની ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીની નોટિસ રદ, કાયદાની યોગ્ય પ્રક્રિયા વગર દસ્તાવેજ જપ્ત કરી શકાય નહીં

  • September 07, 2026 04:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત હાઇકોર્ટે સ્ટેમ્પ અધિનિયમ (ગુજરાત સ્ટેમ્પ એક્ટ) અંગે એક અત્યંત મહત્વનો અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટના ન્યાયમૂર્તિ નિઝાર એસ. દેસાઈએ સ્પષ્ટ ઠેરવ્યું છે કે જો કલેક્ટર કે સંબંધિત સ્ટેમ્પ સત્તાધિકારી કોઈ દસ્તાવેજની ફોટોકોપી ઇમ્પાઉન્ડ (જપ્ત/) કરવા માગતા હોય, તો કલમ 33(4) હેઠળ મૂળ દસ્તાવેજ રજૂ કરવા માટેની આગોતરી નોટિસ આપવી કાયદેસર રીતે ફરજિયાત છે. આ પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના કરવામાં આવેલી જપ્તી કે કારણ દર્શાવો નોટિસ સંપૂર્ણપણે અમાન્ય અને રદબાતલ ઠરશે.
કોર્ટે ભાગીદારી પેઢીના પુનર્ગઠનના દસ્તાવેજો પરત્વે રૂ.22 કરોડની ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીની નોટિસ રદ કરી હતી અને જણાવ્યું હતું કે, કાયદાની યોગ્ય પ્રક્રિયા વગર દસ્તાવેજ જપ્ત કરી શકાય નહીં

આ વિવાદ હિમગીરી કોર્પોરેશન નામના ભાગીદારી ફર્મ સાથે જોડાયેલો છે. વર્ષ 1975માં સ્થપાયેલી આ ફર્મમાં 1975થી 2010 દરમિયાન ભાગીદારોના ફેરફાર અને પુનર્ગઠનને કારણે કુલ 19 ભાગીદારી દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા. અંતે, 18 ઓક્ટોબર 2024ના રોજ ફર્મની અચળ મિલકત ગોદરેજ પ્રોપર્ટીઝ લિમિટેડને વેચવામાં આવી હતી અને નિયમાનુસાર વેચાણ દસ્તાવેજ પર સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવી યોગ્ય એડજ્યુડિકેશન કરાવવામાં આવ્યું હતું.

વેચાણ દસ્તાવેજ બાદ સ્ટેમ્પ સત્તાધિકારીઓએ એવો આક્ષેપ કર્યો કે અગાઉના 19 ભાગીદારી દસ્તાવેજો પર યોગ્ય સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવામાં આવી નથી. આથી તેમણે આશરે રૂ.22.49 કરોડની ખાધ સ્ટેમ્પ ડ્યૂટી અને દંડની માંગણી કરી હતી.


સત્તાધિકારીઓની કાર્યવાહી અને કાનૂની ગૂંચ

સત્તાધિકારીઓએ કલમ 68(2) હેઠળ મૂળ દસ્તાવેજો માંગ્યા હતા, પરંતુ ફર્મે મૂળ દસ્તાવેજોના બદલે તેમની ફોટોકોપીઓ રજૂ કરી હતી. ત્યારબાદ, 7 એપ્રિલ 2025થી કાયદામાં સુધારો થઈને કલમ 33(4) અને 33(5) અમલમાં આવી. અધિકારીઓએ આ નવપરિચિત કલમ 33(4) હેઠળ નવી નોટિસ આપ્યા વિના જ 5 જૂન 2025ના રોજ રજૂ કરેલી ફોટોકોપીઓ ઇમ્પાઉન્ડ કરી લીધી અને કલમ 39(1)(b) હેઠળ કારણ દર્શાવો નોટિસ જારી કરી ખાધ ડ્યૂટી અને દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરી. અરજદારે આ આખી કાર્યવાહીને હાઇકોર્ટમાં પડકારી હતી.


હાઇકોર્ટનું મહત્વનું નિરીક્ષણ અને ચુકાદો

ગુજરાત હાઇકોર્ટે સ્ટેમ્પ એક્ટની કલમ 33 અને 68ની જોગવાઈઓનું વિગતવાર આકલન કર્યું. કોર્ટે સ્પષ્ટ કર્યું કે

કલમ 33 એ સ્ટેમ્પ ડ્યૂટીની તપાસ અને દસ્તાવેજ ઇમ્પાઉન્ડ કરવાની એક ચોક્કસ વિશિષ્ટ જોગવાઈ છે, જ્યારે કલમ 68 એ પૂરક જોગવાઈ છે.

કલમ 68(2) હેઠળ આપવામાં આવેલી સામાન્ય નોટિસને કલમ 33(4)ની વૈધાનિક નોટિસ તરીકે ગણાવી શકાય નહીં.

કલમ 33(4) હેઠળ મૂળ દસ્તાવેજ રજૂ કરવાની નોટિસ આપવી અને મુદત વીત્યા પછી જ કલમ 33(5) હેઠળ ફોટોકોપી ઇમ્પાઉન્ડ કરવી તે કાયદાની કડક પૂર્વશરત છે.

આથી, હાઇકોર્ટે સ્ટેમ્પ સત્તાધિકારીઓ દ્વારા જારી કરાયેલી રૂ.22.49 કરોડની ખાધ સ્ટેમ્પ ડ્યૂટી અંગેની બંને નોટિસો (9 જૂન 2025 અને 20 માર્ચ 2026) રદ કરી અરજદારની રિટ પિટિશન મંજૂર કરી છે.


મુખ્ય કાનૂની સિદ્ધાંત

સુધારેલી કલમ 33(4) હેઠળ મૂળ દસ્તાવેજ રજૂ કરવા માટે નોટિસ આપ્યા વગર કલમ 33(5) હેઠળ દસ્તાવેજની ફોટોકોપી ઇમ્પાઉન્ડ કરી શકાય નહીં. કલમ 33(4)ની નોટિસ એ કલમ 33(5)નો ઉપયોગ કરવા માટે ફરજિયાત અને અનિવાર્ય પૂર્વશરત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application