ભારતના વિદેશી મુદ્રા ભંડાર (Forex Reserve) માં ચિંતાજનક ઘટાડો જોવા મળ્યો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, 13 નવેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું કુલ ફોરેક્સ રિઝર્વ 14.205 અબજ ડોલર ઘટીને 705.342 અબજ ડોલર થઈ ગયું છે. આ અગાઉના સપ્તાહમાં, કુલ વિદેશી મુદ્રા ભંડાર 2.49 અબજ ડોલર વધીને 719.547 અબજ ડોલર પર પહોંચ્યું હતું.
4 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં, ભારતનું વિદેશી મુદ્રા ભંડાર 785.706 અબજ ડોલરના અત્યાર સુધીના સૌથી ઉચ્ચતમ સ્તરે પહોંચ્યું હતું. તે સમયે બમ્પર ફોરેક્સ ઇન્ફ્લો નોંધાયો હતો, જે NRI ડિપોઝિટ માટેની વિશેષ છૂટછાટવાળી સ્વેપ વ્યવસ્થાને કારણે હતો. જોકે, ત્યારથી અત્યાર સુધીમાં ફોરેક્સ રિઝર્વમાં કુલ 80.364 અબજ ડોલરનો ઘટાડો આવ્યો છે.
ફોરેન કરન્સી અને ગોલ્ડ રિઝર્વમાં ઘટાડો
તાજેતરના સાપ્તાહિક ઘટાડાના કારણો વિશે વાત કરતા, જાણકારોનું માનવું છે કે રૂપિયોને સ્થિર રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક દ્વારા બજારમાં મોટી માત્રામાં ડોલરનું વેચાણ કરવામાં આવ્યું છે, જેના કારણે વિદેશી મુદ્રા ભંડાર ઘટ્યું છે.
વધુમાં, વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં સતત ઘટાડાની અસર પણ રિઝર્વ પર પડી છે. જોકે ગોલ્ડના જથ્થા (વોલ્યુમ) માં કોઈ ફેરફાર થયો નથી, પરંતુ કિંમતો ઘટવાને કારણે તેની કુલ વેલ્યુમાં મોટો ઘટાડો નોંધાયો છે.
RBIના આંકડાઓ મુજબ, 13 નવેમ્બરના સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વનો મુખ્ય ભાગ, 'વિદેશી મુદ્રા સંપત્તિ' (Foreign Currency Assets - FCA), 7.897 અબજ ડોલર ઘટીને 583.452 અબજ ડોલર રહી ગઈ છે. વિદેશી મુદ્રા સંપત્તિમાં ડોલર ઉપરાંત યુરો, પાઉન્ડ અને યેન જેવી અન્ય બિન-અમેરિકી મુદ્રાઓના મૂલ્યમાં થયેલા ઉતાર-ચઢાવની અસર પણ સામેલ હોય છે.
બીજી તરફ, આ સપ્તાહમાં સુવર્ણ ભંડાર (Gold Reserves) નું મૂલ્ય 6.183 અબજ ડોલર ઘટીને 98.613 અબજ ડોલર થઈ ગયું છે. આ ઉપરાંત, 'સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ' (SDR) પણ 92 મિલિયન ડોલર ઘટીને 18.517 અબજ ડોલર અને IMF પાસે ભારતની રિઝર્વ સ્થિતિ 32 મિલિયન ડોલર ઘટીને 4.758 અબજ ડોલર પર આવી ગઈ છે.