રાજકોટ રેલવે ડિવિઝનના 774 કર્મચારીઓનાં નામ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળના રાશનકાર્ડ ધારકો તરીકે હોવા મામલે રેલવે બોર્ડની સુચનાથી વેસ્ટર્ન રેલ્વે ઝોનલ ઓફિસ દ્વારા સોંપવામાં આવેલા વેરિફિકેશનના કાર્ય ઉપરાંત રાજકોટ જિલ્લા પુરવઠા વિભાગે પણ રેલવેના આવા કાર્ડધારક તરીકે રાજકોટ જિલ્લાના કર્મચારીના નામ સહિત મંગાવતા આજે રજાના દિવસે પણ ડિવિઝનલ કચેરીના કાર્મિક વિભાગમાં ચહલ પહલ ચાલુ રહી હતી.
આ મામલે અખબારી અહેવાલોને પગલે જિલ્લા પુરવઠા તંત્ર પણ હરકતમાં આવ્યું છે. જિલ્લા પુરવઠા અધિકારી અજય ઝાપડાએ રેલવેમાં ખાસ પત્ર પાઠવી રાજકોટ જિલ્લાના એનએસએફએ હેઠળના લિસ્ટેડ કર્મચારીઓની વિગતો માંગવામાં આવી છે ત્યારે આ પ્રકરણમાં તપાસ અને વિગતો એકત્ર કરવાની કામગીરીને વેગ મળ્યો છે.
જાણવા મળ્યા મુજબ, રાજકોટ જિલ્લાના ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા વગેરે વિસ્તારો ભાવનગર રેલવે ડિવિઝન હેઠળ આવતા હોય અને ભાવનગર ડિવિઝનમાં પણ 10 ગેઝેટેડ અધિકારી સહિત 856 રેલ કર્મચારી બાબતે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ રાશન કાર્ડ બાબતે વિગતો માંગવામાં આવી છે, ત્યારે રાજકોટ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા માહિતી માંગવામાં આવશે કે કેમ ? તેવી ચચર્િ થઈ રહી છે.
દરમિયાન ઝોનલ કચેરીના પરિપત્રને અનુરૂપ કર્મચારીઓ પાસે નિર્ધિરિત નમૂનામાં ’સેલ્ફ ડિકલેરેશન કમ અંડરટેકિંગ’ ફોર્મ ભરાવવાની કાર્યવાહી આજે ચોથા શનિવારની રજાના દિવસે બપોર સુધી ચાલુ રહી હતી.