અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન યુદ્ધની અસર શેરબજારથી લઈને તેલ અને ગેસની અછત સુધી દેખાઈ રહી છે. અન્ય ઘણા ક્ષેત્રો પણ ગંભીર રીતે પ્રભાવિત થઈ રહ્યા છે. ભારતના હીરા અને ઝવેરાતની નિકાસ પર પણ ખતરો મંડરાય રહ્યો છે. જેનાથી નુકસાનની ચિંતા વધી ગઈ છે. હીરા અને ઝવેરાત નિકાસ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી) અનુસાર, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધથી બે બિલિયન ડોલર (આશરે રૂ. 18,500 કરોડ)ની કિંમતના હીરા અને ઝવેરાતની નિકાસ પર અસર પડી શકે છે.
જીજેઇપીસીના મતે, માર્ચમાં અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે પશ્ચિમ એશિયામાં કટોકટી વધી છે, જે હીરા અને ઝવેરાતના વેપારના 20 ટકા ભાગને અસર કરશે. કાઉન્સિલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સબ્યસાચી રેએ જણાવ્યું હતું કે યુદ્ધથી પ્રભાવિત બે બિલિયન ડોલરના વેપારમાંથી, આપણે બધા પ્રયાસો દ્વારા આશરે 800 મિલિયન ડોલરના મૂલ્યના માલને ડાયવર્ટ કરી શકીએ છીએ, પરંતુ અમે 1.2 બિલિયન ડોલરને ક્યાંય ડાયવર્ટ કરી શકતા નથી.
ભારતે નાણાકીય વર્ષ ૨૦૨૫માં ૨૯ બિલિયન ડોલરના હીરા અને ઝવેરાતની નિકાસ કરી હતી, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સ સૌથી મોટું બજાર હતું, જે ૯.૨૪ બિલિયન ડોલરનું હતું. ત્યારબાદ સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) ૭.૮૭ બિલિયન ડોલરની નિકાસ સાથે બીજા ક્રમે હતું. જોકે, ગયા વર્ષે યુએસ દ્વારા લાદવામાં આવેલા ટેરિફ બાદ, યુએઇ ભારતના હીરા અને ઝવેરાતના સૌથી મોટા નિકાસ બજાર તરીકે ઉભરી આવ્યું છે, જેણે આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં ૮.૩૩ બિલિયન ડોલરની આયાત કરી છે.
સબ્યસાચી રે કહે છે કે અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની દુબઈ પર અસર ભારતીય નિકાસ પર પડશે. તેમણે કહ્યું કે દુબઈ મુખ્યત્વે ભારતમાં વેચાતા માલની આયાત કરે છે. જેમાં ભારે સોનાના દાગીના, જે વેચી શકાતા નથી અથવા બીજે ક્યાંય મોકલી શકાતા નથી તેનો સમાવેશ થાય છે. દુબઈ સમગ્ર પશ્ચિમ એશિયામાં આ ક્ષેત્ર માટે એક કેન્દ્ર તરીકે સેવા આપે છે. ભારતીય હીરા અને દાગીનાના શિપમેન્ટ ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલમાં વિતરિત થાય તે પહેલાં દુબઈ પહોંચે છે.
હકિકતમાં અન્ય વ્યવસાયોથી વિપરીત જ્યાં જહાજો પરિવહનનું મુખ્ય માધ્યમ છે, રત્નો અને ઝવેરાતનો વેપાર મોટે ભાગે હવાઈ માર્ગે થાય છે. જોકે, યુએસ-ઇઝરાયેલ વિરુદ્ધ ઈરાન યુદ્ધને કારણે ગલ્ફ દેશોમાં હવાઈ ક્ષેત્ર પરના પ્રતિબંધો અને હુમલાઓને કારણે એરપોર્ટ વારંવાર બંધ થવાથી આ ઉદ્યોગની મુશ્કેલીઓ વધુ વધી રહી છે.
રેના મતે, દુબઈમાં અમારા ઝવેરીઓને કતાર અને સાઉદી અરેબિયામાં માલ મોકલવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઈરાન સહિત સમગ્ર જીસીસીમાંથી ખરીદદારો ખરીદી માટે દુબઈ આવતા હતા અને એટલું જ નહીં, ઉત્તર આફ્રિકાના ગ્રાહકો પણ અહીં આવતા હતા. હવે આ બધું સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે, પ્રવાસીઓ આવતા નથી. હુમલાઓએ ગ્રાહકોનો વિશ્વાસ હચમચાવી નાખ્યો છે.