દુનિયાના ટોચના નેતાઓનો મેળાવડો જામશે: પીએમ મોદી-શી જિનપિંગ વચ્ચે થશે મહત્વપૂર્ણ મુલાકાત, એલએસી પર સીધી વાતચીત થઈ શકે: પીએમ મોદી અન્ય દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે
રાજધાની દિલ્હીમાં આજથી 18મા બ્રિકસ શિખર સંમેલનની સત્તાવાર શરૂઆત થઈ રહી છે. સંમેલનના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અનેક દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે. જોકે, તમામની નજર સાંજે યોજાનારી વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની મહત્વપૂર્ણ મુલાકાત પર રહેશે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે આજે દિલ્હી પહોંચશે. આ મુલાકાત દરમિયાન ભારત અને ચીન વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો યોજાવાની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરહદ પર શાંતિ પુનઃસ્થાપિત કરવા અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે—જેમાં 'લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ' (એલએસી) પર સૈનિકોની સંખ્યા ઘટાડવા અંગેના સંભવિત કરારનો પણ સમાવેશ થાય છે. આ મુલાકાતને બંને દેશો વચ્ચેના સંબંધોની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ પહેલાં વડાપ્રધાન મોદીએ ગઈકાલે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સહિત અનેક નેતાઓ સાથે મુલાકાત કરી હતી.
બ્રિકસ શિખર સંમેલનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે વિશેષ ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી છે. શનિવારે સવારે 9:30 વાગ્યાથી રાત્રે 9:30 વાગ્યા સુધી ભારત મંડપમ સહિત લુટિયન્સ દિલ્હી અને શહેરના કેટલાક મુખ્ય માર્ગો પર ટ્રાફિક નિયંત્રિત અથવા ડાયવર્ટ કરવામાં આવશે.
ટ્રાફિક એડવાઈઝરીના નકશામાં સેન્ટ્રલ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં નિયંત્રિત રસ્તાઓ, પ્રતિબંધિત વિસ્તારો, વૈકલ્પિક માર્ગો અને ડાયવર્ઝન પોઈન્ટ દર્શાવવામાં આવ્યા છે. લોકોને સંમેલન દરમિયાન રસ્તા પર નીકળતા પહેલાં ટ્રાફિક વ્યવસ્થાની માહિતી તપાસવાની સલાહ આપવામાં આવી છે.
એડવાઈઝરીના નકશામાં વૈકલ્પિક રસ્તાઓને વાદળી, નિયંત્રિત રસ્તાઓને નારંગી, પ્રતિબંધિત વિસ્તારોને જાંબલી અને ડાયવર્ઝન પોઈન્ટને લાલ સ્ટારથી દર્શાવવામાં આવ્યા છે. આ વ્યવસ્થાથી લોકોને કયા રસ્તાઓ પર પ્રતિબંધ અથવા ડાયવર્ઝનનો સામનો કરવો પડી શકે છે તેની માહિતી મળશે.
બ્રિકસ શિખર સંમેલનના દિવસે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે. દિલ્હી-એનસીઆરમાં નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામ સહિતના વિસ્તારોમાં આગામી બે દિવસ દરમિયાન તેજ પવન, ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન અને ટ્રાફિક બંનેને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં મુસાફરી કરતા લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
વાતચીત દ્વારા વિવાદોનું નિરાકરણ લાવવું આવશ્યક: ચીન
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે જણાવ્યું હતું કે ઈરાન-અમેરિકા સંઘર્ષ અને યુક્રેન-રશિયા યુદ્ધના ઉકેલ માટે વાતચીત દ્વારા પ્રયાસો થવા જોઈએ. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે સંબંધિત પક્ષોએ વાતચીત અને વાટાઘાટો દ્વારા વિવાદો ઉકેલવાની દિશામાં આગળ વધવું જોઈએ. નિંગે ઉમેર્યું હતું કે ચીન શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે બ્રિક્સ દેશો સાથે કામ કરવા તૈયાર છે અને તેમણે વાતચીત તથા મુત્સદ્દીગીરીના મહત્વ પર ભાર મૂક્યો હતો.
બ્રિક્સ વિકાસનું નવું એન્જિન: પુતિન
એક બિઝનેસ ફોરમને સંબોધતા, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બ્રિક્સની આર્થિક શક્તિને વૈશ્વિક વિકાસ માટે એક નવું એન્જિન ગણાવ્યું. તેમણે જણાવ્યું હતું કે મજબૂત વેપાર સંબંધો આંતરરાષ્ટ્રીય આર્થિક સંબંધોની કરોડરજ્જુ બનાવે છે અને બ્રિક્સ રાષ્ટ્રો વચ્ચે વેપાર અને આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે નોંધ્યું હતું કે વૈશ્વિક અર્થતંત્રમાં મોટા, કાયમી ફેરફારો થઈ રહ્યા છે, નવા આર્થિક કેન્દ્રો ઝડપથી સ્થાપિત કેન્દ્રોનું સ્થાન લેવા માટે ઉભરી રહ્યા છે. પરંપરાગત આર્થિક કેન્દ્રો મજબૂત માળખાગત સુવિધાઓ, તકનીકી ક્ષમતાઓ અને વૈજ્ઞાનિક સંસ્થાઓ ધરાવે છે તે સ્વીકારતા, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આર્થિક પરિવર્તનની પ્રક્રિયાને રોકી શકાતી નથી.
પ.એશિયા કટોકટી પર ફસાઈ શકે મામલો:
સંયુક્ત ઘોષણાપત્ર પર કોઈ સ્પષ્ટતા નથી
બ્રિક્સ સમિટ પહેલા, સત્તાવાર સૂત્રોએ સંકેત આપ્યો હતો કે ભારતના બ્રિક્સ પ્રમુખપદ દરમિયાન માળખા અને કાર્ય યોજનાઓ સહિત 50 થી વધુ નક્કર અને વ્યવહારુ પરિણામોની અપેક્ષા છે. ભારતીય અધિકારીઓના જણાવ્યા મુજબ, ભારત માટે મુખ્ય પરિણામોમાં આતંકવાદની સ્પષ્ટ નિંદા અને તેના તમામ સ્વરૂપોમાં તેનો સામનો કરવાનો સંકલ્પ શામેલ છે. વધુમાં, વૈશ્વિક શાસન સંસ્થાઓમાં સુધારા, બહુપક્ષીયતાને મજબૂત બનાવવા અને યુએન સુરક્ષા પરિષદમાં સભ્યપદ માટે ભારતની દાવને ટેકો આપવા પર સર્વસંમતિ પ્રાપ્ત થઈ છે.જોકે, પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ અંગે યુએઈ અને ઈરાન વચ્ચેના મતભેદોને કારણે, સમિટ સંયુક્ત ઘોષણાપત્ર સાથે સમાપ્ત થશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા રહે છે; તેમ છતાં, ભારતના પ્રમુખપદને મળેલા સમર્થનને ધ્યાનમાં રાખીને સરકારી સૂત્રો સકારાત્મક પરિણામની અપેક્ષા રાખી રહ્યા છે.
આતંકવાદનો સામનો,યુએનએસસીમાં ભારતની
કાયમી સદસ્યતા સહિતના ૫૦ ઐતિહાસિક કરારો
ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી આ સમિટમાં સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહયોગ અને ટકાઉપણું જેવા ચાર મુખ્ય સ્તંભો હેઠળ 50થી વધુ નક્કર અને વ્યવહારુ પરિણામો પ્રાપ્ત થયા છે. એક અહેવાલ મુજબ ભારત માટેના મુખ્ય પરિણામોમાં આતંકવાદની આકરી નિંદા અને તેના તમામ સ્વરૂપો સામે લડવાની પ્રતિબદ્ધતાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વૈશ્વિક શાસન સંસ્થાઓમાં સુધારા કરવા, બહુપક્ષીયતાને મજબૂત કરવા અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સદસ્યતા માટે ભારતની દાવેદારીને સમર્થન મેળવવા અંગે પણ સર્વસંમતિ સાધવામાં આવી હતી.
મોદીએ પુતિન માટે લગાવ્યું ગીત
લોકોએ કહ્યું -પરફેક્ટ ચોઈસ
પીએમ મોદીએ દિલ્હીમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી હતી. બેઠક બાદ, પીએમ મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથેના ફોટા શેર કર્યા અને તેમની સાથે એક ગીત પણ શેર કર્યું. લોકો પીએમ મોદીના ગીતની પસંદગીની ખરેખર પ્રશંસા કરી રહ્યા છે. ફોટાઓ સાથે, પીએમ મોદીએ પિયાનો ફેન્ટાસિયા દ્વારા સોંગ ફોર ડેનિસ ગીત પોસ્ટ કર્યું. આ ટ્રેકમાં એક અનોખી વિશિષ્ટતા છે: તે ૧૯૮૫નું ઇટાલો-ડિસ્કો ગીત છે જેને પાછળથી વાઈડ પુતિન વોકિંગ જેવા વાયરલ મીમ્સ દ્વારા નોંધપાત્ર લોકપ્રિયતા મળી.
પીએમ મોદી-શી જિનપિંગની મુલાકાત પહેલા
ચીનનું નિવેદન: મતભેદો યોગ્ય રીતે ઉકેલાશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચે આજે દ્વિપક્ષીય બેઠક યોજાશે. આ પહેલા, ચીને એક મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી છે. ચીનના રાજદૂત ઝુ ફેઈહોંગે જણાવ્યું હતું કે મતભેદોને યોગ્ય રીતે ઉકેલવામાં આવશે. ચીનના રાજદૂતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, કાઝાન અને તિયાનજિનમાં થયેલી બેઠકો પછી, આ સતત ત્રીજું વર્ષ હશે જ્યારે બંને નેતાઓ મળશે. ચીન બંને નેતાઓના વ્યૂહાત્મક નિર્દેશોને અમલમાં મૂકવા, દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક અને લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી જોવા, સંવાદ અને સહયોગ વધારવા, મતભેદોને યોગ્ય રીતે ઉકેલવા અને એકબીજાની સફળતામાં ફાળો આપતા સારા પડોશીઓ અને ભાગીદારો તરીકે મિત્રતા જાળવવા માટે ભારત સાથે કામ કરશે.