પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે, ઈરાન અને અમેરિકા વચ્ચે એક નવા લશ્કરી દાવાને લઈને તીવ્ર શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે. ઈરાને શનિવારે સત્તાવાર રીતે દાવો કર્યો છે કે તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ અખાતી ક્ષેત્ર (Gulf region) ઉપર ઉડી રહેલા અમેરિકાના એક અદ્યતન F-16 ફાઈટર જેટને નિશાન બનાવ્યું છે. ઈરાની સેના અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના જણાવ્યા અનુસાર, શુક્રવારે સાંજે આ ઘટના બની હતી, જેમાં અમેરિકી વિમાનને મિસાઈલથી નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
F-16 ને નુકસાન અને ઇમરજન્સી લેન્ડિંગનો દાવો
ઈરાની સરકારી મીડિયાના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે હુમલાને કારણે F-16 ફાઈટર જેટ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. તેના કારણે પાઈલટને પોતાનું મિશન અધવચ્ચે જ છોડીને નજીકના એરપોર્ટ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવા મજબૂર થવું પડ્યું હતું. આ દાવાને વધુ મજબૂત કરવા માટે, ઈરાનના સરકારી બ્રોડકાસ્ટર IRIB દ્વારા એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં હવામાં એક વિમાન પર હુમલો થતો સ્પષ્ટ જોઈ શકાય છે. ઈરાન આગ્રહ કરી રહ્યું છે કે આ વિમાન અમેરિકાનું જ છે.
અમેરિકાએ ઈરાનના દાવાને ફગાવ્યો
જોકે, આ સમગ્ર ઘટનાક્રમમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે તેહરાનના આ આરોપોને અમેરિકાએ સદંતર નકારી કાઢ્યા. યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરીને સ્થિતિ સ્પષ્ટ કરી.
અમેરિકી સેનાએ પોતાના નિવેદનમાં લખ્યું છે કે, "ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સનું કહેવું છે કે તેણે ગઈકાલે એક અમેરિકી F-16 લડાકુ વિમાનને નિશાન બનાવીને તેને નુકસાન પહોંચાડ્યું હતું, જેના કારણે તેણે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ દાવો સંપૂર્ણપણે જૂઠો છે."
સત્ય જાહેર કરતા CENTCOM એ વધુમાં ઉમેર્યું કે, "ઈરાને ગઈકાલે કોઈપણ અમેરિકી F-16 લડાકુ વિમાન પર કોઈ હુમલો કર્યો નથી. મધ્ય પૂર્વમાં તૈનાત અમેરિકી સેનાના તમામ ફાઈટર જેટ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમની સંપૂર્ણ ગણતરી પણ હાજર છે." આમ, બન્ને દેશો વચ્ચેના તણાવમાં આ નવા દાવા અને પ્રતિદાવાએ ભારે ગરમાવો લાવી દીધો છે.