BREAKING NEWS

જામનગરના મીની ખ્યાતીકાંડના તાર એક ફીઝીશીયન સાથે જોડાયેલા છે..?

  • November 15, 2025 05:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગરની જેસીસી હાર્ટ ઈન્સ્ટીયુટ અને હોસ્પિટલમાં હદયની સારવારમાં ૧૦૫ જેટલા દર્દીની ટ્રીટમેન્ટમાં ગેરરીતિ કરાઇ હોવાની સનસનાટીજનક વિગતોનો રાજયના આરોગ્ય વિભાગ દ્વારા જ ધડાકો કરવામાં આવ્યા પછી અમદાવાદના ખ્યાતિકાંડ જેવું મીની ખ્યાતીકાંડ જામનગરમાં આચરવામાં આવ્યો હોવાની વિગતો સપાટી પર આવતા રાજય આખાના તબીબી જગતમાં ભારે ચકચાર મચી છે, કારણ કે અહીં પણ પીએમજેએવાય જેને આપણે શોર્ટ ફોર્મમાં પીએમજય યોજના તરીકે ઓળખીએ છીએ, તેનો જ લાભ લેવા માટે આડેધડ દવાખાનાને કતલખાનુ બનાવીને દર્દીઓને વાઢવામાં આવ્યા હોવાનું ચિત્ર સામે આવ્યું છે.


હાલમાં મામલો ગરમ છે, રાજયના આરોગ્ય વિભાગ તરફથી વધુ શું પગલા લેવાય છે ? તેનો ઇન્તેજાર છે, મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયા શું કરે છે તે હજુ નકકી નથી ત્યારે જામનગરની હોસ્પિટલ સંબંધે આધારભૂત વર્તુળોમાંથી એવી ચોંકાવનારી વિગતો જાણવા મળી છે કે, ઉપરોકત હોસ્પિટલમાં આચરાયેલ ગંભીર પ્રકારની ગેરરીતિના તાર જામનગરના જ ખુબ જાણીતા ફીઝીશ્યનની હોસ્પિટલ સુધી પણ પહોંચે છે, હવે જોવાનું એ છે કે, તપાસ દરમ્યાન ત્યાં સુધી તંત્ર કયારે પહોંચે છે અને અન્ય કોઇની સંડોવણીને લઇને સ્પષ્ટતા કયારે થાય છે. 


રાજયના આરોગ્ય મંત્રીએ જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટમાં પીએમજેએવાય યોજના અંતર્ગત હદયની મહત્વની સારવારમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો જેમાં આ ઇન્સ્ટીટયુટના ડો.પાર્શ્ર્વ વોરાએ કરેલા કુલ ૨૬૩ દર્દીઓની સારવારમાં ૧૦૫ કેસમાં ગેરરીતિ આચરી હતી અને ૫૩ દર્દીઓને તો હદયની સારવારની જરૂર ન હોવા છતાં કાર્ડીયાક સર્જરી કરી રૂ.૬ કરોડના બીલ પીએમજેએવાય સરકારી યોજના અંતર્ગત મુકયા હતાં, આ ચોંકાવનારૂ કૌભાંડ બહાર આવતાં અમદાવાદના ખ્યાતીકાંડનું પુનરાવર્તન થતાં જેસીસી ઈન્સ્ટીટયુટને પીએમજેએવાય યોજનામાંથી સસ્પેન્ડ કરી રૂ.૬ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો સાથે-સાથે ડો.પાર્શ્ર્વ વોરાને પણ તાકીદની અસરથી સસ્પેન્ડ કરાયો હતો. આ કૌભાંડથી શહેરના તબીબી જગતમાં ભારે હડકંપ મચી ગયો હતો. 


જયારે રાજયના આરોગ્ય વિભાગે જ પોતાના અહેવાલમાં એવી ચોંકાવતી વિગતો આપી છે કે, ૫૩ દર્દીઓને તો હદયની સારવારની જરૂર ન હોવા છતાં સ્ટેન્ટ બેસાડી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, એટલે સીધી વાત છે કે, આ ગેરરીતિ અમદાવાદના ખ્યાતીકાંડથી જરા પણ ઓછી નથી, આશ્ર્ચર્યની વાત એ છે કે, અમદાવાદના ખ્યાતીકાંડે રાજયભરમાં સનસનાટી મચાવી હતી, મેનેજમેન્ટ સહીતના તમામ જવાબદારોની ધરપકડો થઇ હતી, દેશઆખામાં તેની ચર્ચા હતાં આમ છતાં જામનગરના ઇન્સ્ટીટયુટમાં કોઇપણ ખૌફ વગર આ જ પ્રકારની ગેરરીતિ ચલાવાઇ એ બાબત પણ ખુબ જ આશ્ર્ચર્યજનક છે. 


આગળ જેમ-જેમ તપાસ થશે તેમ-તેમ વધુ ચોંકાવતી વિગતો સામે આવવાની સંભાવના નકારી શકાતી નથી, આ દરમ્યાન અમારા સુત્રોમાંથી એવી મહત્વની વિગતો મળી છે કે જેનાથી પીએમજેએવાય યોજનાનો પોતાના અંગત આર્થિક હીત ખાતર લાભ ખાટવાનો વ્હાઇટ કોલર ક્રાઇમ કરનાર આખેઆખી ચેનલ પકડાઇ શકે છે અને આવા પવિત્ર વ્યવસાયને ડાઘ લગાડનારાઓના મોઢા કાળા થઇને લોકોની સામે ઉઘાડા પડી શકે છે. 


જાણવા મળ્યું છે કે, જેમ વર્ષોથી ખાનગી ક્ષેત્રના તબીબી આલમમાં ઉપરથી લઇને નીચે સુધી જે ચેનલ ચાલી રહી છે એ જ રીતે જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટ સાથે જામનગરના જ એક ખ્યાતનામ મેષ રાશી ધરાવતા ફીઝીશ્યનના તાર પણ ઘનિષ્ઠ રીતે જોડાયેલા હોય એવું લાગે છે, એક દર્દીના સંબંધીએ આજકાલને જે વિગતો આપી છે તેના પરથી આ બાબતનો ઘટસ્ફોટ થાય છે કે, આ ફીઝીશ્યનને પણ તપાસના દાયરામાં લેવા જોઇએ. 

એમણે કહ્યું હતું કે, તેઓ પોતાના એક દર્દીને લઇને આ કહેવાતા જાણીતા ફીઝીશ્યન પાસે સારવાર માટે ગયા હતાં, એમણે પ્રાથમિક સારવાર તો આપી હતી, પરંતુ આ પછી દર્દીના સંબંધીઓને 
એવું કહ્યું હતું કે, જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટમાં તમારા દર્દીને લઇ જાવ, ત્યાંના જે તબીબ છે (મતલબ કે પાર્શ્ર્વ વોરા) તે બહુ સારા હોવાનું મેં સાંભળ્યું છે અને ત્યાં જશો તો તેઓ સાચા નિદાન સુધી પહોંચી જશે. 


દર્દીના સંબંધીઓને કોઇપણ રીતે આ મેષ રાશીધારક ફીઝીશ્યન એવું ક્ધવીન્સ કરવાની કોશીષ કરતા હતાં કે તેઓ જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટમાં જાય, પરંતુ ખ્યાતીકાંડથી પરીચીત એ વ્યકિતને દાળમાં કાંઇક કાળુ હોવાની શંકા ગઇ હતી અને એમણે કોઇપણ રીતે બહાનું કરીને જેસીસીમાં જવાનો ઇન્કાર કરી એક બીજી મોટી ખાનગી હોસ્પિટલમા પોતાના દર્દીની સારવાર કરાવી હતી. 


અખબારોમાં જયારે જેસીસી હાર્ટ ઈન્સ્ટીટયુટ સંબંધે પીએમજેએવાય યોજનાને લઇને ગેરરીતિનો ભાંડાફોડ થયાની વિગતો પ્રકાશીત થયા પછી ઉપરોકત દર્દીના સગાને એ બધી બાબત યાદ આવી હતી કે કેવી રીતે જામનગરના એ જાણીતા ફીઝીશ્યને દર્દીને જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટમાં લઇ જવા માટે એક પ્રકારે રીતસરનું દબાણ કર્યુ હતું, એટલે જ એમણે આજકાલનો સંપર્ક કરીને વિગતો આપી હતી. આટલું જ નહીં એમણે એમ પણ કહ્યું હતું કે, રોજ પાંચેક જેટલા દર્દી તો મારી હોસ્પિટલમાંથી જેસીસીમાં જાય છે. 


આ બાબત પરથી સ્પષ્ટ છે કે, મીની ખ્યાતીકાંડ જેવા જામનગરના આ ગંભીર પ્રકારના વ્હાઇટ કોલર ક્રાઇમ સાથે અન્ય તાર પણ જોડાયેલા છે અને જ‚રી છે કે, રાજયનું આરોગ્ય વિભાગ, મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયા તથા જવાબદાર તમામ તંત્ર સામે આવે સખ્તીથી કામ લે, આખેઆખી ચેનલને ઉઘાડી પાડી અને તમામ સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં બગલા ભગત બનેલા તબીબો નિર્દોષ વ્યકિતઓની જીંદગી સાથે અને એમના હદય સાથે અકારણે છેડછાડ કરી શકે નહીં. 


‘આજકાલ’ દ્વારા એવો સંકલ્પ કરવામાં આવ્યો છે કે, જયાં સુધી જામનગરના આ મીની ખ્યાતીકાંડ સામે હજુ વધુ આક્રમક અને પરીણામલક્ષી પગલા ન લેવામાં આવે ત્યાં સુધી આ વ્હાઇટ કોલર ક્રાઇમને વધુને વધુ બેનકાબ કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે. ​​​​​​​


જેસીસી હાર્ટ ઈન્સ્ટીટયુટમાં હદયની સારવાર મેળવનારા દર્દીઓ લોક હીત ખાતર આગળ આવે

હવે જયારે સ્પષ્ટ થઇ ગયું છે કે, જામનગરની જેસીસી હાર્ટ ઈન્સ્ટીટયુટને દવાખાનાના બદલે કતલખાનુ બનાવીને દર્દીઓના હદય સાથે ખોટી રીતે છેડછાડ કરીને સારવારમાં ગેરરીતી આચરાઇ છે ત્યારે જરૂરી છે કે, આ ઇન્સ્ટીટયુટમાં હદય સંબંધી સારવાર મેળવનારા કમસેકમ બે-પાંચ દર્દીઓ આગળ આવે સતાવાર ફરીયાદ કરે અને અન્ય લોકોના હીત ખાતર હીંમત દેખાડે.
 
ભોગ બનનારા દર્દીઓ જયારે સામે આવીને વાતનો ઘટસ્ફોટ કરશે, ફરીયાદ કરશે તો કાનુની ગાળ્યો વધુ મજબુત થશે, ખુદ આરોગ્ય વિભાગ જયારે એક-બે નહીં પુરા ૫૩ દર્દીઓની સારવારમાં ગેરરીતિની વાત કરે છે ત્યારે લોકોએ હીંમત કેળવીને આગળ આવવું જોઇએ, ભવિષ્યમાં બીજા કોઇ દર્દીઓ આ પ્રકારે ગેરરીતિનો ભોગ ન બને અને પીએમજેએવાય યોજનામાં વધુ કોઇ ટોળકી પોતાના આર્થિક હીત સાધી ન શકે તે ખાતર પણ સંબંધીત વ્યકિતઓ સીધી વિગતો સુધી પહોંચાડવી જોઇએ, આ પ્રકારની લાગણી જામનગરમાં વ્યાપક પ્રમાણમાં ઉઠી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application