ગોંડલ તાલુકાના ચોરડી ગામની સીમમાં કારખાનાની બાજુમાં દારૂના મોટા જથ્થાનું કટીંગ ચાલી રહ્યું હતું અને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડતા નાસભાગ મચી ગઈ હતી. પોલીસે દરોડા દરમિયાન 35.79 લાખનો દારૂનો જથ્થો અને વાહન સહિત કુલ રૂપિયા 55.89 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દરોડા દરમિયાન નાસી ગયેલા પાંચ શખસોને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે
દારૂના દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવાની આપેલ ખાસ સૂચનાથી રૂરલ એલસીબી પીઆઈ જે.પી.રાવની રાહબરીમાં એલસીબીની ટીમ ગોંડલ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ હકીકત મળી હતી કે, ચોરડી ગામની સીમમાં આવેલ ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક-૧ ની અંદર શ્યામ સ્પાઇસ કારખાનાની બાજુમાં આવેલી અવાવરૂ જગ્યાએ વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યું છે.
બાતમીના આધારે ટીમે તાત્કાલિક બાતમીના સ્થળે દોડી જઇ દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈને ત્યાં નાસભાગ મચી ગઈ હતી અને અંધારાનો લાભ લઈને આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. પોલીસે તપાસ કરતા ત્રણ અલગ-અલગ વાહનોમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળેથી દારૂની પેટીઓ અને કટિંગમાં વપરાતા વાહનો કબ્જે કરીને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે વિદેશી દારૂની પેટીઓ નંગ-૪૧૪ કુલ બોટલો ૪,૯૮૬ રૂ.૩૫,૭૯,૩૩૫ તેમજ આઇસર, અશોક લેલેન દોસ્ત માલવાહક ગાડી, અર્બન ક્રુઝર ફોરવ્હીલ ગાડી અને મોબાઈલ મળી કુલ રૂ.૫૫.૮૯ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
દરોડા દરમિયાન નાસી છૂટેલા શખસોમાં દારૂનો જથ્થો મંગાવી કટિંગ કરાવનાર સોહિલ સલીમ મડમ (રહે. ચોરડી, ગોંડલ), દારૂનો જથ્થો લઈ આવનાર આઇસર ગાડીના ચાલક, દારૂનો જથ્થો લેવા આવનાર અશોક લેલેન દોસ્ત ગાડીના ચાલક, અર્બન ક્રુઝર ગાડીના ચાલક અને ઇંગ્લીશ દારૂનો જથ્થો મોકલનાર અજાણ્યા શખ્સનો સમાવેશ થાય છે.
આ કામગીરીમાં પીએસઆઇ એચ.સી.ગોહીલ, કે.એમ.ચાવડા, આર.વી.ભીમાણી, પી.એન.ભરવાડ, એએસઆઈ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, ઇન્દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા, અનિલભાઈ ગુજરાતી સહિતનો સ્ટાફ સાથે રહ્યો હતો.