અષાઢી બીજ (૧૬ જુલાઈ)ના પવિત્ર દિવસે અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ભવ્ય અને પરંપરાગત રથયાત્રા યોજાવા જઈ રહી છે. રથયાત્રાના કાઉન્ટડાઉન વચ્ચે, આજે જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથ મંદિરે વિવિધ ધાર્મિક મહોત્સવોનો અત્યંત ભક્તિમય વાતાવરણમાં પ્રારંભ થઈ ગયો છે. સરસામાન અને ચોક્કસ ધાર્મિક વિધિઓ સાથે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભગવાનના દર્શન કરવા માટે ભક્તોનું કીડીયારું ઉભરાયું હતું. ૧૫ દિવસ સુધી મોસાળમાં રહ્યા બાદ નિજ મંદિર પધારેલા ભગવાનના તેજસ્વી સ્વરૂપના 'નવયૌવન દર્શન' અને પરંપરાગત 'નેત્રોત્સવ વિધિ'ને પગલે સમગ્ર માહોલ જય રણછોડના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો.
આજના ભક્તિમય મહોત્સવની શરૂઆત વહેલી સવારે છ વાગ્યે ગર્ભગૃહમાં થઈ હતી. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીને મંદિરના ગર્ભગૃહમાં આવેલી પવિત્ર રત્નવેદી પર વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સવારે ૭:૩૦ વાગ્યાથી મુખ્ય નેત્રોત્સવ પૂજન વિધિનો પ્રારંભ થયો હતો, જે સવારે ૧૦:૩૦ વાગ્યા સુધી અવિરત ચાલ્યો હતો. પ્રભુની આંખો પર રેશમી પાટા બાંધવાની આ પરંપરાગત અને પવિત્વ પૂજા વિધિમાં દેશભરમાંથી આવેલા આશરે ૩૦ જેટલા યજમાનોએ પ્રત્યક્ષ રીતે સહભાગી થઈને ધન્યતા અનુભવી હતી. આ અવસરે ભગવાનને ભવ્ય 'સોનાવેશ' એટલે કે સુવર્ણ શણગાર ધારણ કરાવવામાં આવ્યો હતો, જે જોઈને ભક્તો ભાવવિભોર બન્યા હતા.
ભગવાનના આ અલૌકિક નવયૌવન સ્વરૂપના દર્શન કરવા અને પ્રભુને આવકારવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ઉર્જા અને જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે જગન્નાથ મંદિરના મુખ્ય શિખર પર પરંપરાગત રીતે નવીન ધ્વજારોહણની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓ ઉપસ્થિત અન્ય રાજકીય અને સામાજિક મહાનુભાવો સાથે ભગવાનની ભવ્ય મહાઆરતીમાં જોડાયા હતા. હર્ષ સંઘવીએ ભગવાન જગન્નાથજીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા અને સમગ્ર ગુજરાતના નાગરિકોની સુખાકારી, શાંતિ અને સમૃદ્ધિ માટે મંગલ પ્રાર્થના કરી હતી.
નેત્રોત્સવ વિધિ અને મહાઆરતી પૂર્ણ થયા બાદ બપોરે ૧૧ વાગ્યે મંદિરમાં એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રથયાત્રા મહોત્સવ અર્થે દેશના ખૂણે-ખૂણેથી પધારેલા હજારો સાધુ-સંતો માટે ખાસ ભંડારા (મહાપ્રસાદ)નું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર પ્રશાસન દ્વારા તમામ સાધુ-સંતોને આદરપૂર્વક વસ્ત્રદાન, દાન-દક્ષિણા અને ભેટ સોગાદો અર્પણ કરવામાં આવી હતી. આ મંગલ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શહેરના મેયર હિતેશભાઈ બારોટ, સાંસદ દિનેશભાઈ મકવાણા, ધારાસભ્ય અમિતભાઈ શાહ, કૌશિકભાઈ જૈન, જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ તેમજ મંદિરના ટ્રસ્ટીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ સહિત રાજ્યભરમાં નીકળતી રથયાત્રાઓ કરોડો શ્રદ્ધાળુઓની અપાર આસ્થાનું કેન્દ્ર હોવાથી સરકારે સુરક્ષામાં કોઈ કચાસ રાખી નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સીધા નેતૃત્વમાં ગુજરાત સરકારે શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં રથયાત્રા સંપન્ન થાય તે માટે ખાસ આયોજન કર્યું છે. રાજ્ય પોલીસ વડા જી.એસ.મલિક અને શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની દેખરેખ હેઠળ મંદિર પરિસર તેમજ સમગ્ર રથયાત્રાના રૂટ પર ચુસ્ત પોલીસ કાફલો તહેનાત કરી દેવાયો છે. આ વર્ષે આધુનિક ટેકનોલોજી આધારિત ડ્રોન સર્વેલન્સ, સીસીટીવી નેટવર્ક અને સોશિયલ પોલીસિંગ જેવા અનેક નવીન પ્રકલ્પો થકી સુરક્ષા વ્યવસ્થાને લોખંડી બનાવવામાં આવી છે.