દરરોજ લાખો મુસાફરો ભારતીય રેલવે દ્વારા મુસાફરી કરે છે. લાંબા અંતરની મુસાફરી માટે ટ્રેન એ સૌથી આર્થિક અને અનુકૂળ સાધન છે. પરંતુ ટ્રેનમાં મુસાફરી દરમિયાન ભીડભાડવાળા ડબ્બાઓમાં સામાન ગુમ થવાનો અથવા ચોરી થવાનો ભય હંમેશા રહે છે. જો મુસાફરી દરમિયાન તમારી સાથે આવી કોઈ ઘટના ઘટે તો ગભરાવાની જરૂર નથી. યોગ્ય સમયે સાચા કાનૂની પગલાં ભરીને તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો અને રેલવે પાસેથી વળતર પણ મેળવી શકો છો.
ટ્રેનમાં મુસાફરી દરમિયાન સામાન્ય રીતે સામાનની સુરક્ષાની પ્રાથમિક જવાબદારી મુસાફરની પોતાની માનવામાં આવે છે. તેમ છતાં જો સામાન ચોરી થઈ જાય, તો સૌથી પહેલું કામ તાત્કાલિક ફરિયાદ નોંધાવવાનું છે. ટ્રેનમાં હાજર ટીટીઈ (TTE), કોચ એટેન્ડન્ટ, ગાર્ડ અથવા જીઆરપી (GRP) સ્કોર્ડનો સંપર્ક કરવો જોઈએ. આ રેલવે કર્મચારીઓ મુસાફરને એક એફઆઈઆર (FIR) ફોર્મ આપે છે. આ ફોર્મ ભરીને ટ્રેનમાં જ જમા કરાવી શકાય છે, જેને બાદમાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં મોકલીને તપાસ શરૂ કરવામાં આવે છે. જો તમે તમારી મંજિલ પર પહોંચી ગયા હોવ તો સ્ટેશન પર આવેલા જીઆરપી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી શકો છો.
જો યોગ્ય તપાસ બાદ પણ ચોરાયેલો સામાન પરત ન મળે, તો રેલવે દ્વારા મુસાફરને વળતર આપવાની જોગવાઈ છે. ગુમ થયેલા સામાનનું યોગ્ય મૂલ્યાંકન કર્યા પછી ભારતીય રેલવે મુસાફરને નક્કી કરેલી રકમ ચૂકવે છે. આ માટે મુસાફરે જરૂરી દસ્તાવેજો અને સામાનના મૂલ્યના પુરાવા રજૂ કરવા પડે છે. જો મુસાફર સામાનની સાચી કિંમત અને પુરાવા રજૂ કરે, તો તેને યોગ્ય વળતર મળવાની શક્યતા વધી જાય છે.
આજના ડિજિટલ યુગમાં મુસાફરો પોતાના સ્માર્ટફોન દ્વારા પણ તાત્કાલિક મદદ મેળવી શકે છે. સામાન ચોરી થવાની સ્થિતિમાં મુસાફરો સીધો 139 હેલ્પલાઇન નંબર પર કોલ કરીને ઓપરેટરને પોતાનો PNR નંબર, કોચ, સીટ અને ટ્રેનની વિગતો આપીને ફરિયાદ નોંધાવી શકે છે. આ ઉપરાંત રેલવેની અધિકૃત 'RailMadad App' ડાઉનલોડ કરીને તેમાં PNR નંબર ઉમેરીને ઓનલાઈન રિપોર્ટ પણ દર્જ કરી શકાય છે. યોગ્ય સમયે લેવાયેલા પગલાંથી માત્ર તપાસ ઝડપી નથી બનતી પરંતુ વળતર મેળવવાની પ્રક્રિયા પણ સરળ બને છે.