નેપાળ-ચીન સરહદ નજીક આવેલા નેપાળના રસુવા જિલ્લામાં બુધવારે સવારે ૮:૩૦ વાગ્યે ભોટેકોશી નદીમાં અચાનક આવેલ વિનાશક પૂર અને ભૂસ્ખલનના કારણે ભારે તારાજી સર્જાઈ છે. નેપાળ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, કૈલાસ માનસરોવરની યાત્રાએ નીકળેલા વિશ્વભરના ૩૮૪ પ્રવાસીઓ સાથેનો સંપર્ક તૂટી ગયો છે અને તેઓ ગુમ હોવાનું જાહેર કરાયું છે. આ ગુમ થયેલા યાત્રિકોમાં ૧૦૫ ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નેપાળી સુરક્ષાદળો દ્વારા મોટા પાયે રેસ્ક્યુ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.
નેપાળ પર્યટન બોર્ડના જણાવ્યા મુજબ, સંપર્કવિહોણા થયેલા પ્રવાસીઓમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, યુ.એસ.એ., નેધરલેન્ડ, દક્ષિણ આફ્રિકા, યુ.કે. અને મલેશિયા જેવા દેશોના નાગરિકો સામેલ છે. આ ઉપરાંત ૯૩ નેપાળી નાગરિકો પણ આ પૂરમાં ફસાયા કે ગુમ થયા છે, જ્યારે કેટલાક લોકોની રાષ્ટ્રીયતા હજુ સુધી સ્પષ્ટ થઈ શકી નથી. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે કૈલાસ માનસરોવર યાત્રા માટે ભારે ઘસારો જોવા મળ્યો હતો. ચીન દ્વારા ભારતનો વાર્ષિક ક્વોટા વર્ષ ૨૦૨૫ના ૨૦ હજારથી વધારીને આ વર્ષે ૨૪ હજાર કરવામાં આવ્યો હતો, જે યાત્રાની શરૂઆતમાં જ સંપૂર્ણ ભરાઈ ગયો હતો.
આ દૂર્ઘટનામાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા હોવાની આશંકાઓને પગલે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. જોકે, ટૂર ઓપરેટરોના સૂત્રો અનુસાર ગુજરાતી યાત્રિકો આ પૂરમાં ફસાયા હોવાની શક્યતા નહિવત છે. રાજકોટના ટૂર ઓપરેટરોના જણાવ્યા મુજબ, સૌરાષ્ટ્ર અને રાજકોટથી ગયેલા ૧૨૫ યાત્રિકોનો જથ્થો એકાદ મહિના પહેલા જ સુરક્ષિત રીતે પરત આવી ગયો છે. આ ઉપરાંત, રાજકોટથી આયોજિત ૨૦ એન.આર.આઈ.નું ગ્રુપ પણ માનસરોવરની યાત્રા પૂર્ણ કરીને સુરક્ષિત કાઠમંડુ પહોંચી ગયું હોવાના અહેવાલ મળ્યા છે.
બીજી તરફ, અમદાવાદ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાંથી જે યાત્રિકોને પરમિટ મળી હતી, તેમાંથી પણ અનેક લોકો વિઝા ન મળવાના કારણે જઈ શક્યા નહોતા. આથી હાલ સુધી સૌરાષ્ટ્ર કે ગુજરાતના કોઈ પ્રવાસીઓ પૂરના કારણે ફસાયા હોવાના અધિકૃત અહેવાલ નથી. છતાં, સાવચેતીના ભાગરૂપે અને રાજ્યના નાગરિકોની સલામતી માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ જિલ્લા કલેક્ટર કચેરીઓ ખાતે ડિઝાસ્ટર શાખા દ્વારા સ્પેશિયલ હેલ્પલાઈન અને ટોલ-ફ્રી કન્ટ્રોલ રૂમ નંબર કાર્યરત કરવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા પણ જાહેર કરાયેલા કન્ટ્રોલ રૂમ નંબર પર સ્વજનો માહિતી મેળવી શકશે અથવા મદદ માટે સંપર્ક કરી શકશે.
ગુજરાત રાજ્યના નાગરિકો અને તેના પરિવારજનોએ રાજ્યના કંટ્રોલરૂમ નંબર
079232-51900
9978405304
હેલ્પલાઇન નં. 1070
જે તે જિલ્લાના ડિસ્ટ્રીક્ટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના હેલ્પલાઇન નં. 1077 પર સંપર્ક કરવો.
નેપાળમાં અસરગ્રસ્ત ભારતીય નાગરિકો માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર
+977 985 131 6807
+977 970 910 7500
જરૂરિયાતમંદ નાગરિકો અથવા તેમના પરિવારજનો તાત્કાલિક આ નંબરો પર સંપર્ક કરી શકે છે.