MBBSના વિદ્યાર્થીનો પેટમાં તલવાર ભોંકી આપઘાત, બીજા વર્ષમાં કેટી આવતા ડિપ્રેશનમાં પગલું ભર્યું; રાજકોટમાં બનાવ
MBBSના વિદ્યાર્થીનો પેટમાં તલવાર ભોંકી આપઘાત, બીજા વર્ષમાં કેટી આવતા ડિપ્રેશનમાં પગલું ભર્યું; રાજકોટમાં બનાવ
October 02, 2026 03:39 PM
શહેરના કોઠારીયા ચોકડી નજીક સુખરામ નગરમાં રહેતા અને એમબીબીએસનો અભ્યાસ કરતા યુવકે પેટમાં તલવાર ભોંકી આપઘાત કરી લેતા અરેરાટી મચી જવા પામી છે. બનાવના પગલે ભક્તિનગર પોલીસ દોડી ગઈ હતી. યુવક એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો તેમાં કેટી આવતા ડિપ્રેશનમાં આવી પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા ચોકડી નજીક સુખરામનગરમાં ચારણની વાડી પાસે રહેતા ધર્મેશ હરીશભાઇ વિરડા (ઉ.વ.26)ના યુવક ઘરે હતો ત્યારે માતાજીના મઢમાં પડેલી તલવાર લઇ પોતાના હાથે પેટમાં ભોંકી દેતા લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે સિવિલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. મૃતક યુવાન એમબીબીએસના સેકન્ડ વર્ષમાં અભ્યાસ કરતો હતો અને પરીક્ષામાં કેટી આવતા ડિપ્રેશનમાં રહેતો હતો. જેમાં તેણે પગલું ભરી લીધાનું પ્રાથમિક જણાઈ રહ્યું છે. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એકના એક પુત્રના મોતથી પરિવારમાં કલ્પાત સર્જાયો છે.