ભારતીય રેલવેની ઓનલાઈન ટિકિટ બુકિંગ સેવા IRCTCએ ઈતિહાસ રચતા એક જ દિવસમાં ૨૦ લાખથી વધુ ટિકિટો બુક કરવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને એડવાન્સ રિઝર્વેશન પીરિયડ (ARP) હેઠળ થયેલી બુકિંગમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે ૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ એક જ દિવસમાં કુલ ૨૦,૦૬,૩૫૩ ટિકિટો બુક કરવામાં આવી હતી. આ અગાઉ ગત વર્ષે એક દિવસમાં સૌથી વધુ ૧૮.૪૦ લાખ ટિકિટો બુક થઈ હતી, જેનો રેકોર્ડ હવે તૂટી ગયો છે. એટલું જ નહીં, આ રેકોર્ડના એક દિવસ અગાઉ એટલે કે ૮ સપ્ટેમ્બરે પણ આશરે ૧૯.૫૦ લાખ ટિકિટો બુક કરવામાં આવી હતી.
રેલવેના આંકડા મુજબ હવે મુસાફરો મોટાભાગે ઓનલાઈન માધ્યમ તરફ વળ્યા છે. વર્તમાન સમયમાં કુલ રિઝર્વ્ડ ટિકિટોમાંથી ૮૯ ટકા ટિકિટો ઓનલાઈન બુક થઈ રહી છે, જ્યારે માત્ર ૧૧ ટકા ટિકિટો જ ઓફલાઈન બુક થાય છે. આ ટેક્નોલોજી પર આધારિત સિસ્ટમને વધુ સક્ષમ બનાવવા માટે IRCTC દ્વારા અનેક મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. જૂના સર્વર હટાવીને નવા સર્વર લગાવવામાં આવ્યા છે, જેનાથી સિસ્ટમની ક્ષમતા લગભગ બમણી થઈ ગઈ છે. NGet Refresh અને ૧૫ જુલાઈ ૨૦૨૬થી શરૂ થયેલા નવા બીટા ઈન્ટરફેસના કારણે સ્લીપર, એસી ૩ ટિયર અને એસી ૨ ટિયર જેવી શ્રેણીઓની સીટો એક જ સ્ક્રીન પર દેખાતી થઈ છે, જેથી મુસાફરો માટે બુકિંગ કરવું ખૂબ જ સરળ બન્યું છે.
અનધિકૃત બુકિંગ અને બોટ (BOT) ટ્રાફિકને રોકવા માટે એન્ટિ-બોટ અને સીડીએન (CDN) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેનાથી બોટ ટ્રાફિકમાં ૫૫ થી ૬૫ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત ખોટી રીતે થતી બુકિંગ અટકાવવા માટે અત્યાર સુધીમાં ૩.૦૪ કરોડથી વધુ નકલી યુઝર આઈડી બ્લોક કરવામાં આવી છે અને ૬.૩૩ કરોડ આઈડીને રી-વેલિડેશન માટે મોકલવામાં આવી છે. એજન્ટોના નિયમોમાં પણ કડકાઈ લાવવામાં આવી છે અને ઓપનિંગ વિન્ડોમાં બુકિંગ માટે આધાર વેરિફિકેશન અનિવાર્ય કરવામાં આવ્યું છે. આ આધુનિક ટેક્નોલોજી અને સુરક્ષા પગલાંઓના કારણે સામાન્ય જનતા માટે ટિકિટ મેળવવાની પ્રક્રિયા વધુ પારદર્શક અને ઝડપી બની છે.