પોપટપરા નજીકના બગીચામાં પરિણીતાને થપ્પડ મારી, તેના પિતાને છરીના ઘા ઝીંકયા

  • June 11, 2025 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોપટપરા પાસે બીગચામાં પરિણીતાને થપ્પડ મારી બચાવવા આવેલા તેના પિતાને છરીના પાંચ ઘા ઝીંકી દીધા હતાં. પરિણીતા બગીચામાં હીંચકા ખાતી હતી તે સમયે પડી જતા તેના લતામાં જ રહેતા આ શખસો હસવા લાગ્યા હતાં.આ બાબતે કહેતા ઉશ્કેરાઇ હુમલો કર્યો હતો. જે અંગે પાંચ શખસો સામે પ્ર.નગર પોલીસ મથકમાં રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


શહેરણ પોપટપરા વિસ્તારમાં મીયાણાવાસના ખૂણે રહેતા રેશમાબેન અલ્તાફભાઈ બ્લોચ (ઉ.વ 19) નામની પરિણીતાએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કિશન કોળી, અજીમ સંધી, લાલો કોળી તથા બે અજાણ્યા શખસો(રહે. બધા પોપટપરા શેરી નંબર 16) ના નામ આપ્યા છે. પરિણીતાના દોઢ વર્ષ અગાઉ તાલાળામાં રહેતા અલ્તાફ સાથે તેના લગ્ન થયા છે. લગ્ન બાદ પતિ અહીં પરણીતાના પિતા સાથે જ પિયરમાં રહે છે.


ગઈ તા. 8-6-2025 ના રાત્રિના દસેક વાગ્યા આસપાસ ફરિયાદી તથા તેના પતિ અને પિતા ફતેમોહંમદ બાબરીયા, પાડોશી તાજ મહંમદભાઈ તથા તેમના પત્ની રેશમાબેન અને કૌટુંબિક નાના રશીદખાન સહિતનાઓ રિક્ષામાં અહીંથી એકાદ કિ.મી. દૂર આવેલા બગીચા ખાતે બેસવા ગયા હતા. ફરિયાદી તથા રેશ્માબેન અહીં બગીચામાં હીંચકા ખાતા હતા ત્યારે સામે બાજુની શેરીમાં રહેતો કિસાન કોળી, અજીમ સંધી, લાલો કોળી તથા બીજા બે અજાણ્યા શખસો સામેના બાંકડા પર બેઠા હતા. પરિણીતા હીંચકા ખાતી વેળાએ પડી જતા કિશન કોળી કંઇક બોલી હસવા લાગ્યો હતો. બાદમાં વારેવારે આવું કરવા લાગતા પરણીતા તેની પાસે ગઈ હતી અને પૂછ્યું હતું કે, તું મને જોઈને કેમ હશે છે આપણે એક જ લતામાં રહીએ છીએ. હું તારી બેન જેવી છું તું આવું વર્તન કેમ કરે છે. તેમ કહેતા તે ઉસ્કરાઇ ગયો હતો અને એક થપ્પડ મારી દીધી હતી. જેથી ફરિયાદી રડવા લાગતા ત્યાં બગીચામાં તેના પિતા અને પાડોશી તથા તેના નાના અને પતિ ગ્રાઉન્ડમાં ચાલતા હોય તેઓ દોડીને અહીં આવ્યા હતા.


પરિણીતાના પિતા ફતેહમંહમદ અને કિશનને પૂછ્યું હતું કે, કિશન તું મારી દીકરી સાથે શું કામ લપ કરે છે. દરમિયાન સામે બેઠેલ અજીમ પરિણીતા અને તેના પિતાને કહેવા લાગ્યો હતો કે, તમે મને ઓળખતા નથી મારું કે મારા મિત્ર કિશનનું જો નામ લીધું તો તને અને તારી છોકરી રેશમાને જાનથી મારી નાખીશ તેમ કહી ગાળો બોલવા લાગ્યો હતો. દરમિયાન શેરીમાં રહેતો લાલો કોળી ફરિયાદીના પિતાને છરી બતાવી ગાળો આપી કહેતો હતો કે અહીંયાથી જતા રહો નહીં તો જાનથી મારી નાખીશ. બાદમાં આ પાંચેય શખસો ફરિયાદીના પિતા ફતેમહમદ બાબરીયાને પકડી રાખી મારમાર્યો હતો અને લાલાએ તેમના ડાબા પગના સાથળમાં તથા કમરનાભાગે છરીના ચારથી પાંચ ઘા મારી દીધા હતા તેમને લોહી નીકળવા લાગતા ફરિયાદીએ બુમાબુમ કરી હતી. જેથી આ શખસો અહીંથી નાસી ગયા હતા. ત્યારબાદ ફરિયાદીના પિતાને રિક્ષામાં બેસાડી હોસ્પિટલ લઈ ગયા હતા. બાદમાં આ અંગે પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પ્ર.નગર પોલીસે આરોપીઓ વિરુદ્ધ રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application