રાજકોટના શાપર-વેરાવળ નજીક આવેલા પડવલા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં જે.કે. પોલીમર્સ કંપનીમાં આજે વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. કંપનીમાં મોટી માત્રામાં પ્લાસ્ટિકનો કાચો માલ સંગ્રહિત હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
પ્રાથમિક માહિતી અનુસાર, સવારે આશરે સાડા પાંચ વાગ્યે શાપર-વેરાવળ ફાયર બ્રિગેડને આગ અંગેનો કોલ મળ્યો હતો. જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. જોકે આગની તીવ્રતા સતત વધતી હોવાથી રાજકોટ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ રાજકોટની ફાયર ફાઇટરની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ વધુ વિકરાળ હોવાથી ગોંડલ ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી.
પ્લાસ્ટિકનો કાચો માલ આગની ઝપેટમાં આવતાં ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. ફાયર વિભાગની વિવિધ ટીમો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આગ સંપૂર્ણપણે કાબૂમાં લેવા હજુ એકથી દોઢ કલાકથી વધુ સમય લાગી શકે તેવી પ્રાથમિક માહિતી સામે આવી હતી.
આ ઘટનામાં કંપનીનો મોટા પ્રમાણમાં સામાન બળીને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આગને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ તેમજ નુકસાનનો સત્તાવાર આંકડો તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે.
સદનસીબે આ ઘટનામાં જાનહાનિ થઈ હોવાની હાલ કોઈ સત્તાવાર માહિતી મળી નથી. ફાયર બ્રિગેડ અને સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.