નખત્રાણા તાલુકા પંચાયત પ્રાથમિક ગ્રાહક ધિરાણ સહકારી મંડળીના મંત્રી અને શિક્ષક ઘનશ્યામ પટેલ 2.80 લાખની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાયા છે. એસીબીએ ઘનશ્યામ પટેલને અખિલ કચ્છ લોહાણા મહાજન જલારામ ભોજનાલયના ગેટ પાસે જાહેર રોડ પરથી લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.
આ કામના ફરિયાદીની કંપનીએ નખત્રાણા તાલુકા પંચાયત પ્રાથમિક ગ્રાહક ધિરાણ સહકારી મંડળી, નખત્રાણાને માલ સપ્લાય કરેલ જેના બિલોના કુલ રૂપિયા ૭,૫૨,૧૩૨ મંજુર કરાવવાની અવેજ પેટે આ કામના આરોપીએ પોતાના કમીશનના ફરિયાદી પાસે રૂ.૨,૮૦,૦૦૦ની ગેર કાયદેસર લાંચની માંગણી કરી આજરોજ આપવાનો વાયદો કર્યો હતો. જે ગેરકાયદેસર લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય તેઓએ એ.સી.બી.નો સંપર્ક કરી પોતાની ફરિયાદ આપી હતી. ફરિયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાંનું આયોજન કરતા છટકા દરમ્યાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૨,૮૦,૦૦૦ની માંગણી કરી, સ્વીકારી, પકડાઈ જઈ ગુનો કર્યો હતો. આ સફળ ટ્રેપ ભુજ એસીબીના પીઆઈ એલ.એસ. ચૌધરીએ સુપર વિઝન અધિકારી કે.એચ. ગોહિલના માર્ગદર્શનમાં કરી હતી.