BREAKING NEWS

નવ વર્ષની ગુમ બાળકીની લાશ પ્લાસ્ટિકના કોથળામાંથી મળી, દુષ્કર્મની આશંકા, ગાંધીનગરની ખળભળાટ મચાવતી ઘટના

  • November 14, 2025 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગાંધીનગરના રાયપુર ગામમાંથી બે દિવસ પહેલા બપોરે ગુમ થયેલી બાળકીની લાશ ઘરની નજીક જ પ્લાસ્ટિકના કોથળામાંથી મળતા ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો. 


મળતી માહિતી મુજબ, મૃતકના પાડોશીએ જ બાળકી સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરી લાશને કોથળામાં નાખી બાજુના ઘરના ઓસરીમાં નાખી હોવાના અનુમાન સાથે શંકાના દાયરામાં છે. જ્યારે શંકાસ્પદ શખસના બાળકે બે અલગ અલગ સ્ટેટમેન્ટ આપ્યા હતા, પહેલા 500 રૂપિયાની લાલચ આપી કોઈ અપહરણ કરી ગયું હોવાનું બાદમાં નદી તરફ જતી જોઈ હોવાનું જણાવ્યું હતું. ગાંધીનગર પોલીસે હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


રાયપુર ગામના રામાપીર વાળા વાસમાં રહેતા એક પિતાની પુત્રી ગત તા.12મી નવેમ્બરના સવારના આશરે દશેક વાગ્યાના સુમારે ક્યાંક જતી રહી હતી. બાળકી ગુમ થતાં તેના પિતાએ કોઈ અજાણ્યો વ્યક્તિ તેનું કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ગયું હોવાની શંકા સાથે ડભોડા પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાવ્યો હતો.


પોલીસે ફરિયાદના આધારે બાળકીની શોધખોળ શરૂ કરી હતી અને સોશિયલ મીડિયામાં પણ તેની જાહેરાત કરી હતી. જોકે, આ બાળકીની શોધખોળ અંતે કરુણ ઘટનામાં પરિણમી છે. 13 નવેમ્બરની રાત્રે પરિવાર જે મકાનમાં રહે છે તેની પાછળના ભાગે આવેલી એક ઓરડીની ઓસરીમાંથી શંકાસ્પદ હાલતમાં એક પ્લાસ્ટિકની થેલી(કોથળો) મળી આવી હતી. તપાસ કરતાં આ કોથળામાં ગુમ થયેલી બાળકીની લાશ જ પેક કરેલી હાલતમાં મળી આવી હતી.


આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, બાળકી ગુમ થઈ ત્યારથી માંડીને લાશ મળી ત્યાં સુધી પોલીસની અલગ અલગ ટીમો તપાસ કરી રહી હતી. બાળકીના પિતા જીઆઈડીસીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. જેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હતી. બાળકીની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન છે. જેનું પેનલ ડોક્ટરોની ટીમ મારફતે પોસ્ટમોર્ટમ કરાવવાનું છે. બાળકી સાથે અઘટિત ઘટ્યું છે કે નહીં તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જાણવા મળશે.


વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકરણમાં એક શંકાસ્પદ ઇસમને રાઉન્ડ અપ કરવામાં આવ્યો છે, જે મૃતકના પિતાનો પાડોશી છે અને તેના ઘરમાં તેની પત્ની અને આઠ વર્ષનો દીકરો છે. આ ઇસમ પ્લાસ્ટિકનો ભંગાર વીણીને વેચવાનો ધંધો કરે છે. બાળકી ગુમ થઈ ત્યારથી આ ઇસમ બાળકીના પિતા સાથે શોધખોળ કરતો હતો. જેનો નાનો દીકરો પણ પોલીસને કહેતો કે, બાળકીને કોઈ 500 રૂપિયા આપવાની લાલચ આપી લઈ ગયું છે, તો ઘડીકમાં તે નિવેદન બદલીને બાળકી નદી બાજુ જતી જોવા મળી હોવાનું કહેતો હતો. જ્યારે શંકાશીલ ઈસમે બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યા પછી ગળું દબાવી લાશને ખાતરના પ્લાસ્ટિકના કોથળામાં પેક કરીને ભંગારના સામાન નીચે સંતાડી દીધી હોવાની શંકા છે. જેમાં તેની પત્ની પણ શંકાના દાયરામાં છે.


બાળકી ગુમ થયાની ફરિયાદ દાખલ થતાં જ અત્રેના વિસ્તારમાં શિફ્ટ વાઇઝ પોલીસ ટીમો એક્ટિવ કરી દેવાઈ હતી. જેથી આ ઇસમને લાશને અન્ય સ્થળે લઈ જવાનો મોકો મળ્યો નહીં હોવાનું અનુમાન છે. ગઈકાલે મોકો જોઈને તેણે બાજુના ઘરના ઓસરીમાં કોથળો ફેંકી દીધો હોવો જોઈએ. આ ઘરમાં પણ પરિવાર રહે છે. જેઓએ ઘરની બહાર ઓસરીમાં ભંગારના સામના સાથે કોથળો જોઈને ખોલ્યો હતો અને બાળકીના પિતાને વાત કરી હતી. શંકાસ્પદ ઈસમ અને જે જગ્યાએથી બાળકીની લાશ સાથેનો પ્લાસ્ટિકનો કોથળો મળી આવ્યો છે તે બંને ઘર નજીક નજીક છે. બંને ઘર વચ્ચે એક લોખંડની જાળીનો ફરક છે. એટલે તકનો લાભ લઈને ઈસમે કોથળો ફેંકી દીધો હોવો જોઈએ.


અમારી તપાસમાં જે ઘરેથી બાળકીની લાશ મળી છે તે વ્યક્તિ પણ રડારમાં આવ્યો છે. જેની પણ પૂછતાછ ચાલી રહી છે. મૃતકનું તેમજ જે ઘરેથી લાશ મળી છે ઉપરાંત શંકાસ્પદ ઈસમનું ઘર એકદમ નજીક નજીક જ છે. જેથી લાશ ઇસમના ઘરમાં જ રાખવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ ઈસમ બાળકીની શોધખોળમાં સાથે ફરતો હતો અને પોલીસની ગતિવિધિ ઉપર ધ્યાન રાખતો. હાલમાં આ ઇસમ અને જે ઘરેથી કોથળો મળ્યો એની બંનેની બંનેની પૂછતાછ ચાલી રહી છે.


બાળકીની હત્યા કરીને લાશને પ્લાસ્ટિક કોથળામાં છુપાવી દેવાની ઘટનાની ગંભીરતાને જોતાં જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમની સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેમજ એફએસએલની ટીમ પણ પહોંચી હતી. પોલીસે લાશનો કબજો મેળવીને હત્યા અને અપહરણના ભેદ ઉકેલવા માટે સઘન તપાસ શરૂ કરી દીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News