સિરામિક ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતા મોરબી શહેર અને સમગ્ર ગુજરાત માટે આજે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. દેશ-વિદેશમાં વિશાળ નેટવર્ક અને પ્રખ્યાત બ્રાન્ડ નેમ ધરાવતી 'વરમોરા ગ્રેનીટો' કંપની આજે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE) પર સત્તાવાર રીતે લિસ્ટેડ થઈ ગઈ છે. શેરબજારમાં કંપનીના પ્રવેશ સાથે જ મોરબીના ટાઇલ્સ અને સિરામિક ઉદ્યોગમાં એક નવો ઇતિહાસ રચાયો છે.
આ લિસ્ટિંગ નિમિત્તે મુંબઈ સ્થિત નેશનલ સ્ટોક એક્સચેન્જના મુખ્ય મથક (NSE હેડક્વાર્ટર) ખાતે એક ખાસ લિસ્ટિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કંપનીના મુખ્ય પ્રમોટર્સ પરસોતમભાઈ વરમોરા, વલ્લભભાઈ વરમોરા, રમણભાઈ વરમોરા અને મનીષભાઈ વરમોરા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે એનએસઈના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં પારંપરિક રીતે 'લિસ્ટિંગ બેલ' વગાડીને કંપનીનો શેરબજારમાં વિધિવત પ્રારંભ કરાવ્યો હતો.

કંપનીના લિસ્ટિંગ બાદ પ્રમોટર્સે ખુશી વ્યક્ત કરી હતી. ગ્રાહકોનો વિશ્વાસ અને તમામ ભાગીદારોનો સાથ જ કંપનીને આજે આ ઊંચાઈ પર લાવ્યો છે. NSE પર લિસ્ટેડ થવાથી કંપનીના વિસ્તરણ અને ભવિષ્યના આયોજનોને નવી પાંખો મળશે. વરમોરા ગ્રેનીટોનું સ્ટોક એક્સચેન્જ પર આગમન દર્શાવે છે કે સ્થાનિક સ્તરે શરૂ થયેલો ઉદ્યોગ યોગ્ય ગુણવત્તા અને વિઝન સાથે દેશના મૂડીબજારમાં પણ પોતાનો ડંકો વાગી શકે છે.
વરમોરા ગ્રેનિટો લિમિટેડનો આઈપીઓ 1.60 ગણો ભરાયો હતો. જો કે, લિસ્ટિંગ પર રોકાણકારોની મૂડીમાં સામાન્ય વધારે થયો છે. 148 રૂપિયાના અપર પ્રાઈસ બેન્ડ સામે ઈશ્યૂ એનએસઇ પર 155 રૂપિયા પર એટલે કે, 4.73 ટકાના પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો. જ્યારે બીએસઈ પર 152 રૂપિયા પર એટલે કે, માત્ર 2.70%ના પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો.
વરમોરા ગ્રેનિટોનો રૂ.708.02 કરોડનો આઈપીઓ 1.60 ગણો ભરાઈને બંધ થયો હતો. જેમાં રૂ.320 કરોડના 2.16 કરોડ નવા શેર જારી કરવામાં આવ્યા છે. સાથે જ, વર્તમાન શેરધારકો તરફથી રૂ.388.02 કરોડના 2.62 કરોડ શેરનો 'ઓફર ફોર સેલ' સામેલ હતું. પ્રાઈસ બેન્ડ રૂ.140-રૂ.148 પ્રતિ શેર હતો.
કંપનીના આઈપીઓમાં ક્વાલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ માટેનો રિઝર્વ હિસ્સો 3.10 ગણો, નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ માટેનો રિઝર્વ હિસ્સો 0.94 ગણો અને રિટેલ ઇન્વેસ્ટર્સ માટેનો રિઝર્વ હિસ્સો 1.02 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.

આઈપીઓના રૂપિયાનો ક્યાં ઉપયોગ કરશે કંપની?
કંપની તેના આઈપીઓમાં નવા શેર જારી કરીને મેળવેલા રૂપિયાનો ઉપયોગ પોતાનું અને તેની પેટાકંપનીનું દેવું ચૂકવવા માટે અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે. વરમોરા ગ્રેનિટોનું નાણાકીય વર્ષ 2025-26માં આવક 5 ટકા વધીને રૂ.1,562.53 કરોડ રહી હતી. ચોખ્ખો નફો 79 ટકાના વધારા સાથે રૂ.55 કરોડ નોંધાયો હતો. આ સમયગાળા દરમિયાન કંપની પર રૂ.357.95 કરોડનું દેવું હતું. એક વર્ષ અગાઉ આવક રૂ.1,492.68 કરોડ અને ચોખ્ખો નફો રૂ.30.77 કરોડ હતો.
વરમોરા ગ્રેનિટો કઈ પ્રોડક્ટ્સ બનાવે છે?
વરમોરા ગ્રેનિટો લિમિટેડ સિરામિક અને વિટ્રિફાઇડ ટાઇલ્સ (જેવા કે ગ્લેઝ્ડ વિટ્રિફાઇડ ટાઇલ્સ - જીવીટી, પોલિશ્ડ વિટ્રિફાઇડ ટાઇલ્સ - PVT અને સિરામિક ટાઇલ્સ) બનાવે છે અને વેચે છે. કંપનીનું ધ્યાન પ્રીમિયમ અને ટેક્નોલોજી આધારિત પ્રોડક્ટ્સ પર છે. કંપનીના પ્રમોટર્સ ભાવેશ વલ્લભદાસ વરમોરા, હીરેન આર. વરમોરા અને પ્રમોદકુમાર પરસોત્તમભાઈ પટેલ છે. વરમોરા ભારતની સાથે-સાથ વિદેશમાં પણ ઓપરેશનલ છે.