BREAKING NEWS

દ. એશિયામાં થતા વિરોધ પ્રદર્શનોમાંથી અડધાથી વધુ ભારતમાં થાય છેઃ રિપોર્ટ

  • July 22, 2026 05:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દક્ષિણ એશિયાના દેશોમાં થતા આંદોલનો અને વિરોધ પ્રદર્શનો અંગે એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. 'આર્મ્ડ કૉન્ફ્લિક્ટ લોકેશન એન્ડ ઈવેન્ટ ડેટા પ્રોજેક્ટ'ના રિપોર્ટ અનુસાર, દક્ષિણ એશિયામાં થતા કુલ વિરોધ પ્રદર્શનોમાંથી ૬૦ ટકાથી વધુ પ્રદર્શનો એકલા ભારતમાં નોંધાયા છે. વર્ષ ૨૦૨૬માં ૨૬ જૂન સુધીમાં જ ભારતમાં કુલ ૧,૮૬૪ વિરોધ પ્રદર્શનો રજિસ્ટર થયા છે, જેમાં પાકિસ્તાન બીજા ક્રમે રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં સામાજિક, રાજકીય અને વિવિધ માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શનોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, ૨૦૧૯થી ૨૦૨૬ વચ્ચે ભારતમાં દર મહિને સરેરાશ ૧,૦૦૦થી વધુ વિરોધ પ્રદર્શનો નોંધાયા છે. માત્ર વર્ષ ૨૦૨૫ની વાત કરીએ તો ભારતમાં રેકોર્ડબ્રેક ૨૦,૬૦૦ વિરોધ પ્રદર્શનો થવા પામ્યા હતા. દક્ષિણ એશિયાના કુલ પ્રદર્શનોમાં ભારતનો હિસ્સો ૨૦૨૦માં ૫૩.૭૮ ટકા હતો, જે વધીને ૨૦૨૫માં ૬૧.૧૫ ટકા સુધી પહોંચી ગયો છે. ૨૦૨૫ના પ્રથમ છ મહિનાના ડેટા મુજબ, દક્ષિણ એશિયામાં ભારતના ૬૧.૧૫ ટકા હિસ્સા સામે પાકિસ્તાન ૨૧.૫૪ ટકા, બાંગ્લાદેશ ૮.૪૭ ટકા, નેપાળ ૬.૧૯ ટકા અને અન્ય દેશો ૨.૬૫ ટકા હિસ્સો ધરાવે છે. આ પ્રદર્શનોમાં શાંતિપૂર્ણ ધરણાં, રેલીઓ, કૂચ અને કેટલીક જગ્યાએ વહીવટીતંત્ર સાથેના ઘર્ષણની ઘટનાઓ પણ સામેલ છે. ભારતમાં પોતાની માંગણીઓ રજૂ કરવા માટે ભૂખ હડતાળ અને અનશન એક પ્રમુખ માર્ગ રહ્યો છે. તાજેતરમાં સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકનું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે બાવીસ દિવસથી વધુ સમયનું અનશન ચર્ચામાં છે. રિપોર્ટમાં દેશના ઈતિહાસના અગ્રણી અનશનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ૧૯૪૭માં મહાત્મા ગાંધીએ કોલકાતા કોમી હિંસા રોકવા ચાર દિવસ, ૧૯૫૨માં પોટ્ટી શ્રીરામુલુએ આંધ્ર રાજ્યની માંગ માટે ૫૮ દિવસ, ૧૯૫૬માં શંકરલિંગનારે તમિલનાડુ નામકરણ માટે ૭૬ દિવસ અને ૧૯૯૬માં સુંદરલાલ બહુગુણાએ ટિહરી બાંધના વિરોધમાં ૭૪ દિવસ સુધી ભૂખ હડતાળ કરી હતી. દેશમાં સૌથી લાંબુ અનશન ઈરોમ શર્મિલાના નામે નોંધાયેલું છે, જેમણે સશસ્ત્ર બળ વિશેષ અધિકાર અધિનિયમ કાયદો હટાવવાની માંગ સાથે ૨૦૦૦થી ૨૦૧૫ દરમિયાન પ,૭૫૭ દિવસ સુધી ભૂખ હડતાળ કરી હતી. આ સિવાય ૨૦૧૧માં ગંગા નદીમાં ગેરકાયદે ખનન સામે સ્વામી નિગમાનંદે ૧૧૫ દિવસ અનશન કર્યું હતું. ૨૦૧૧માં અન્ના હજારેએ લોકપાલ કાનૂનની માંગ સાથે ૧૩ દિવસનું અનશન કર્યું હતું, તેમજ નરેન્દ્ર મોદીએ સદભાવના મિશન હેઠળ ત્રણ દિવસના ઉપવાસ કર્યા હતા. આમ, અહિંસક પ્રદર્શન અને અનશન ભારતીય લોકશાહી અને વિરોધ પ્રદર્શન સંસ્કૃતિનો મુખ્ય ભાગ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application