ધોરાજી પંથકમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. કાકા-કાકીની અંતિમયાત્રામાં જોડાયેલા અને વિધિ પૂરતી 'દોણી' પકનારા સગા ભત્રીજાનું સ્મશાનગૃહ ખાતે જ અચાનક હૃદયરોગનો હુમલો આવતા કરૂણ મૃત્યુ નીપજ્યું છે. માત્ર બે જ દિવસના ટૂંકા સમયગાળામાં એક જ પરિવારમાં એકસાથે ત્રણ-ત્રણ મોતના અણધાર્યા આઘાતથી સમગ્ર ધોરાજી પંથકમાં ઘેરો કલ્પાંત અને ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર, ધોરાજીના જમનાવાડ રોડ પર આવેલા વિસ્તારમાં રહેતા જીતુભાઈ રાવરાણી અને તેમના પત્ની મધુબેન રાવરાણી નામના આઘેડ દંપતીએ બે દિવસ પહેલાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ દુઃખદ ઘટનાના આઘાતમાંથી પરિવાર હજુ બહાર આવી શક્યો નહોતો, ત્યાં આજે બંને દંપતીની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. હિન્દુ શાસ્ત્રોક્ત રિવાજ મુજબ અગ્નિસંસ્કારની મુખ્ય વિધિ માટે દોણી પકડીને તેમના ૪૧ વર્ષીય ભત્રીજા દીપકભાઈ કિરીટભાઈ રાવરાણી સ્મશાનગૃહ ખાતે પહોંચ્યા હતા.
જ્યારે સ્મશાનગૃહમાં કાકા-કાકીની દાહ સંસ્કારની વિધિ ચાલી રહી હતી, તે જ સમયે દીપકભાઈને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. કાકા-કાકીના આઘાતમાં સરેલા દીપકભાઈ કઈ સમજે તે પહેલા જ સ્મશાનગૃહના અંગાર વચ્ચે ઢળી પડ્યા હતા. ત્યાં હાજર પરિવારજનો અને લોકોએ તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલે ખસેડ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
કાકા-કાકીના મોતનો આઘાત હજુ તાજો જ હતો ત્યાં યુવાન ભત્રીજાના સ્મશાનમાં જ થયેલા આકસ્મિક અવસાનના સમાચાર મળતાં જ પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યું હતું. એક જ ઘરમાંથી બે દિવસમાં ત્રણ-ત્રણ અર્થીઓ ઊઠતાં સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું. સ્મશાનમાં હાજર રહેલા તમામ લોકોની આંખો પણ આ કરૂણ દ્રશ્ય જોઈને ભીની થઈ ગઈ હતી.