BREAKING NEWS

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર: 'નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમ' લાગુ, જાણો ક્યા નવા નિયમોથી બદલાશે પ્રક્રિયા

  • August 14, 2026 04:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ પારદર્શક, ટેકનોલોજી આધારિત અને સમયબદ્ધ બનાવવાના હેતુથી ૧૨ ઓગસ્ટ, ૨૦૨૬થી 'નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમ'નો અમલ શરૂ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મોટર વાહન નિયમો, ૧૯૮૯માં કરવામાં આવેલા સુધારા (G.S.R. 48(E)) મુજબ આ નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. આ સુધારેલી વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રાફિક ચલણ જારી કરવા, તેની ચૂકવણી કરવા અને ચલણ સામે વાંધો રજૂ કરવા માટે સ્પષ્ટ અને સમયબદ્ધ પ્રક્રિયા નક્કી કરવાનો છે, જેથી રાજ્યમાં ટ્રાફિક નિયમોના પાલનને વધુ પ્રોત્સાહન મળે.


નવા સુધારેલા નિયમ ૧૬૭ મુજબ, ઇલેક્ટ્રોનિક ચલણ અધિકૃત ઇલેક્ટ્રોનિક માધ્યમથી ૩ દિવસની અંદર અને ભૌતિક (ફિઝિકલ) માધ્યમથી ૧૫ દિવસની અંદર પહોંચાડવામાં આવશે. ચલણ જારી થયાની તારીખથી ૪૫ દિવસની અંદર નાગરિકે ચલણની રકમ ચૂકવવાની રહેશે અથવા જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે પોર્ટલ પર ચલણને પડકારવાનું રહેશે. જો ૪૫ દિવસમાં ચલણને પડકારવામાં નહીં આવે તો તેને નાગરિક દ્વારા સ્વીકારવામાં આવ્યું હોવાનું માનવામાં આવશે અને તેની ચૂકવણી માટે વધારાના ૩૦ દિવસનો સમય મળશે. ચલણ સામે વાંધો રજૂ કરતી વખતે માત્ર રજૂઆત પૂરતી નહીં રહે, પરંતુ સ્થાનિક જાહેરનામું કે જરૂરી પુરાવા રજૂ કરવા ફરજિયાત રહેશે.


જો વાહનચાલક નિર્ધારિત સમયમર્યાદામાં દંડ ન ભરે અથવા ચલણની અવગણના કરે તો તેની સામે કડક પરિણામો આવી શકે છે. સુધારેલા નિયમ ૨૧ મુજબ, ૧ જાન્યુઆરી, ૨૦૨૬થી શરૂ થતા એક વર્ષના સમયગાળામાં જો 5 કે તેથી વધુ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન ધ્યાનમાં આવશે, તો આગળની કાર્યવાહી હાથ ધરાશે. બાકી ચલણનો નિકાલ ન થાય ત્યાં સુધી સંબંધિત વ્યક્તિના ડ્રાઇવિંગ લાઇસન્સ, મોટર વાહનના રજિસ્ટ્રેશન તથા અન્ય અરજીઓ અટકાવી દેવામાં આવશે અને વાહનને પોર્ટલ પર નોટ ટુ બી ટ્રાન્સએક્ટ્ડ તરીકે ચિહ્નિત કરી શકાશે. આ ઉપરાંત જરૂર જણાયે પોલીસ કે અધિકૃત અધિકારીઓ વાહનને અટકાવી પણ શકશે.


ગુજરાત પોલીસ દ્વારા રાજ્યના તમામ નાગરિકો અને વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પરિવહન પોર્ટલ પર પોતાનો સાચો અને સક્રિય મોબાઈલ નંબર અપડેટ રાખે, જેથી ટ્રાફિક ઉલ્લંઘનની જાણકારી સમયસર SMS મારફતે મળી રહે. નાગરિકોને પોતાના ચલણની સ્થિતિ નિયમિતપણે ચકાસવા, નિર્ધારિત સમયમર્યાદામાં દંડ ભરી દેવા અથવા નિયમાનુસાર યોગ્ય કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. રાજ્યમાં વધુ સુરક્ષિત અને સુવ્યવસ્થિત માર્ગ વ્યવસ્થા માટે આ નવી ચલણ સિસ્ટમમાં સંપૂર્ણ સહકાર આપવા માટે પણ પોલીસે અનુરોધ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application