સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા પાંચ-છ દિવસથી વરસાદે વિરામ લીધો છે. આકાશમાં વાદળોની અવરજવર છતાં મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી ગતિવિધિ મંદ પડી છે. આજે સવારે છથી આઠ વાગ્યા દરમિયાન માત્ર દક્ષિણ ગુજરાતના 14 તાલુકામાં હળવા ઝાપટાં નોંધાયા હતા, જ્યારે આજે સવારે પૂરા થયેલા 24 કલાક દરમિયાન રાજ્યના કુલ 71 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો હતો. તેમાં પણ મોટાભાગના સ્થળોએ ઝાપટાથી લઈને 12થી 20 મિલીમીટર સુધી વરસાદ નોંધાયો હતો.
સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાના મહુવા, ભાવનગર, સિહોર અને ઉમરાળા ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા વિસ્તારમાં વધુમાં વધુ ચાર મિલીમીટર સુધી વરસાદ નોંધાયો હતો. બાકીના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ નહિવત્ રહ્યું હતું.
રાજ્ય હવામાન વિભાગે બુધવારે બપોરે જાહેર કરેલા મધ્યમ ગાળાના આગાહી બુલેટિન મુજબ હાલ ગુજરાત માટે કોઈ અસરકારક વરસાદી સિસ્ટમ સક્રિય નથી. સરેરાશ દરિયાઈ સપાટી પર મોનસૂન ટ્રફ હાલ શ્રીગંગાનગર, રોહતક, શાહજહાંપુર, સુલતાનપુર, ગયા અને બાંકુરા થઈને મિઝોરમ તરફ પસાર થઈ રહી છે. સૌરાષ્ટ્ર અને પડોશ ઉપરનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ નબળું પડી ગયું છે, જ્યારે ઉત્તરપૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી વિસ્તારની સિસ્ટમો પણ ગુજરાત માટે હવે બિનઅસરકારક બની ગઈ છે. પરિણામે રાજ્યમાં હાલ માત્ર નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ તા. 6થી 12 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં દરરોજ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના છે. જોકે સમગ્ર સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં કોઈ વ્યાપક કે ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી નથી. એટલે આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ વચ્ચે વિરામની સ્થિતિ યથાવત રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણથી પાંચ દિવસ દરમિયાન કેટલાકથી ઘણા સ્થળોએ વરસાદી પ્રવૃત્તિ વધુ રહેવાની શક્યતા છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ ખાસ કરીને પૂર્વ અને ઉત્તર-પૂર્વના જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ ધીમે ધીમે વધવાની આગાહી કરવામાં આવી છે. જોકે સૌરાષ્ટ્ર-કચ્છ માટે હાલ કોઈ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી હળવાથી મધ્યમ અને છૂટાછવાયા વરસાદનો જ દોર ચાલુ રહે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.