ટેક્સી કે કેબ (Cab) માં મુસાફરી કરતા કરોડો લોકો માટે કેન્દ્ર સરકાર તરફથી એક અત્યંત રાહતના અને મોટા સમાચાર આવ્યા છે. હવે Uber, Ola અને BluSmart જેવા કેબ એગ્રીગેટર્સ રાઈડ બુક કરતી વખતે જ ગ્રાહકો પાસેથી એડવાન્સ કે પ્રી-રાઈડ ટીપ (Pre-Ride Tip) માંગી શકશે નહીં. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે તમામ ઓનલાઈન ટેક્સી પ્લેટફોર્મ્સને પોતાના એપ પરથી આ વિકલ્પ તાત્કાલિક અસરથી હટાવી લેવા માટે આકરો આદેશ જારી કર્યો છે. આ અંગેનો સવિસ્તાર અહેવાલ નીચે મુજબ છે.
ઘણીવાર ટેક્સી એપ્સ પર કેબ બુક કરતી વખતે ગ્રાહકોને 'Advance Tip', 'Choose an Add-on' કે 'Improve your chances of quicker ride confirmation' જેવા મેસેજ જોવા મળતા હતા. આનાથી ગ્રાહકો પર એવું માનસિક દબાણ ઊભું થતું હતું કે જો તેઓ પહેલાથી જ ડ્રાઈવરને વધારાના પૈસા કે ટીપ આપશે તો જ તેમની કેબ ઝડપથી કન્ફર્મ થશે કે ડ્રાઈવર તેમની રાઈડ સ્વીકારશે. સરકારે આવી મનસ્વી વ્યવસ્થા સામે સખત વાંધો ઉઠાવીને તમામ કેબ એગ્રીગેટર્સને પોતાની એપ્સમાંથી આવા વિકલ્પો દૂર કરવા જણાવ્યું છે.
મોટર વહિકલ એગ્રીગેટર ગાઈડલાઈન્સ ૨૦૨૫ નો કડક અમલ
સરકારે તમામ કંપનીઓને તેમના ડિજિટલ પ્લેટફોર્મ અને મોબાઇલ એપ્સની તાત્કાલિક સમીક્ષા કરવા અને 'મોટર વહિકલ એગ્રીગેટર ગાઈડલાઈન્સ ૨૦૨૫' ના નિયમોનું ઉલ્લંઘન કરતા તમામ ફીચર્સ હટાવવા આદેશ આપ્યો છે.
હવે રાઈડ પૂરી થાય તે પહેલાં કોઈપણ એપ પર એવો કોઈ મેસેજ, ટીપ ઓપ્શન કે પેમેન્ટ ઓપ્શન દર્શાવી શકાશે નહીં જે એવો સંકેત આપતો હોય કે વધારાના પૈસા ચૂકવવાથી ગ્રાહકને ઝડપી કે બહેતર સેવા મળશે. કેબ ક્યારે મળશે, કયો ડ્રાઈવર મળશે કે બુકિંગ કેટલી વારમાં કન્ફર્મ થશે તેને હવે ટીપ સાથે જોડી શકાશે નહીં.
શું હવે ડ્રાઈવરને ટીપ આપી શકાશે નહીં?
ગ્રાહકોમાં ઊભી થયેલી આ શંકા અંગે સરકારે સ્પષ્ટતા કરી છે કે ટીપ આપવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. ગ્રાહકો હજુ પણ પોતાની મરજીથી ડ્રાઈવરને ટીપ આપી શકે છે, પરંતુ આ વિકલ્પ માત્ર રાઈડ પૂરી થયા પછી જ સ્ક્રીન પર દેખાશે.
જો ડ્રાઈવરનું વર્તન અને સર્વિસ સારી હોય અને મુસાફર પોતાની ખુશીથી કંઈક વધારાની રકમ આપવા માંગતો હોય, તો સફર પૂર્ણ થયા બાદ તે ટીપ આપી શકશે. આ ઉપરાંત ગ્રાહકે આપેલી ટીપની પૂરેપૂરી રકમ ડ્રાઈવરના ખાતામાં જ જવી જોઈએ અને કેબ કંપનીઓ તેમાંથી પોતાનું કોઈ કમિશન કાપી શકશે નહીં.
સરકારે કેમ લીધો આકરો નિર્ણય?
બુકિંગ દરમિયાન એડવાન્સ ટીપ માંગવાના નામે થતી ગેરરીતિઓ અંગે 'સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી' (CCPA) ને વ્યાપક ફરિયાદો મળી હતી. મુસાફરો પર બળજબરીપૂર્વક વધુ પૈસા પડાવવાની આ પદ્ધતિ સામે કડક વલણ અપનાવીને સરકારે તમામ એગ્રીગેટર્સને ૨૦૨૫ ની ગાઈડલાઈન્સ મુજબ પોતાની સિસ્ટમ સુધારવા આદેશ આપ્યો છે. સરકારના આ નિર્ણયથી સામાન્ય મુસાફરોને કેબ બુક કરતી વખતે વધારાના ચાર્જ આપવાના અન્યાયી દબાણમાંથી કાયમી મુક્તિ મળશે.