BREAKING NEWS

ભૂકંપ નહીં, ગ્લેશિયર તૂટતાં નેપાળમાં જળપ્રલયઃ ગ્લેશિયરનો વિશાળ ભાગ તૂટી 1200 મીટર નીચે પટકાયો

  • August 27, 2026 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નેપાળ અને તિબેટની સરહદે બુધવારે આવેલા ભયાનક જળપ્રલય પાછળ ભૂકંપ નહીં પરંતુ ગ્લેશિયરનો વિશાળ ભાગ તૂટી પડવો મુખ્ય કારણ હોવાનું હવે વૈજ્ઞાનિક તપાસમાં સામે આવ્યું છે. અમેરિકાની જિયોલોજિકલ સર્વે સંસ્થા યુએસજીએસે શરૂઆતમાં નોંધાયેલા કંપનને ૪.૪ની તીવ્રતાનો ભૂકંપ ગણાવ્યો હતો, પરંતુ સિસ્મિક તરંગો અને ઉપગ્રહ તસવીરોની વધુ તપાસ કર્યા પછી તેણે સ્પષ્ટ કર્યું કે ત્યાં ભૂકંપ થયો જ નહોતો. ગ્લેશિયર તૂટી પડતાં થયેલી પ્રચંડ હિલચાલને સિસ્મોગ્રાફે ભૂકંપ જેવી નોંધ કરી હતી.


પ્રાથમિક વૈજ્ઞાનિક તપાસ પ્રમાણે નેપાળ-તિબેટ સરહદ નજીક આશરે ૫૨૦૦ મીટરની ઊંચાઈએ આવેલા ગ્લેશિયરનો નીચલો વિશાળ ભાગ અચાનક તૂટી ગયો હતો. ઉપગ્રહ તસવીરોના વિશ્લેષણ પ્રમાણે આ બરફનો જથ્થો લગભગ ૧૨૦૦ મીટર નીચેની ખીણમાં પટકાયો હતો. તેની સાથે મોટા પથ્થરો, માટી અને પહાડી ઢોળાવનો કાટમાળ પણ નીચે ધસી આવ્યો હતો. આ ઘટનાએ વિશાળ બરફ-પથ્થરના હિમસ્ખલનનું સ્વરૂપ લીધું હતું.


આ આખો જથ્થો નીચે આવેલી લેન્ડે ખોલા નદીમાં પડ્યો હતો. પરિણામે નદીમાં માત્ર પાણી નહીં, પરંતુ બરફ, ખડકો, માટી અને કાટમાળનો અત્યંત ભારે પ્રવાહ ઊભો થયો હતો. યુએસજીએસે આ ઘટનાને ગ્લેશિયલ કોલેપ્સ અને ડેબ્રિસ ફ્લો તરીકે ઓળખાવી હતી. એટલે નીચેના વિસ્તારોમાં ધસી આવેલું પૂર સામાન્ય વરસાદી પૂર કરતાં અનેકગણું વધુ વિનાશકારી બન્યું હતું.


વૈજ્ઞાનિકોની એક મહત્વની સંભાવના એવી પણ છે કે નીચે ધસી આવેલા પથ્થરો અને બરફના જથ્થાએ લેન્ડે ખોલાનો માર્ગ થોડા સમય માટે બંધ કરી દીધો હતો. તેના કારણે પાછળ મોટી માત્રામાં પાણી એકઠું થયું હતું. આ કુદરતી અવરોધ તૂટ્યો અથવા તેની ઉપરથી પાણી એકાએક વહેવા લાગ્યું ત્યારે પાણી અને કાટમાળની વિશાળ દીવાલ નીચે ધસી આવી હતી. જોકે આંતરરાષ્ટ્રીય હિમાલય સંસ્થા આઇસીમોડે જણાવ્યું છે કે આવો અસ્થાયી અવરોધ ખરેખર કેટલો મોટો બન્યો હતો અને કેવી રીતે તૂટ્યો તેની તપાસ હજી ચાલી રહી છે.


આ જળપ્રવાહ લેન્ડે ખોલામાંથી ભોટે કોશી અને ત્યાંથી ત્રિશૂલી નદીમાં ઉતર્યો હતો. રસ્તામાં તેણે વધુ માટી, પથ્થરો, વૃક્ષો અને અન્ય કાટમાળ ખેંચી લીધો હતો. તેથી નીચે જતાં પ્રવાહની વિનાશક શક્તિ સતત વધતી ગઈ હતી.


પૂર કેટલું અચાનક અને પ્રચંડ હતું તેનો અંદાજ પાણીના સ્તરમાં થયેલા વધારા પરથી આવે છે. આઇસીમોડના જણાવ્યા પ્રમાણે ત્રિશૂલી નદીમાં ગલ્છી ખાતે પાણીનું સ્તર માત્ર અડધા કલાકમાં લગભગ નવ મીટર વધી ગયું હતું. મલેખુ ખાતે પણ પાણી લગભગ સાત મીટર વધ્યું હતું. વૈજ્ઞાનિકો માટે આ અત્યંત ઝડપથી પસાર થયેલી વિશાળ પૂરલહેરનો સ્પષ્ટ સંકેત છે.


ભૂકંપની થિયરી હવે રદ

આપત્તિ પછી શરૂઆતના કલાકોમાં ૪.૪ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો અને તેના કારણે ગ્લેશિયર તૂટી પડ્યો હોવાની ધારણા વ્યક્ત કરવામાં આવી હતી. નેપાળના કેટલાક અધિકારીઓએ પણ આવી શક્યતા જણાવી હતી. પરંતુ યુએસજીએસે પાછળથી સિસ્મિક સ્ટેશનો, લાંબા ગાળાના સિસ્મિક તરંગો અને ઉપગ્રહ તસવીરોનું વિશ્લેષણ કરીને ઘટનાને ૫.૨ની તીવ્રતા સમકક્ષ ગ્લેશિયર કોલેપ્સ તરીકે ફરી વર્ગીકૃત કરી હતી. યુએસજીએસનું સ્પષ્ટ તારણ છે કે ભૂકંપ થયો નહોતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application