જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનું શલ્ય તંત્ર-૧ પેપર લીક થવાના પ્રકરણમાં પેપર નહીં પરંતુ મહત્વા પ્રશ્ર્નો ફરતા થયાના તપાસ સમિતિના રિપોર્ટથી અનેક સવાલ ઉઠ્યા છે. આ પ્રકરણની તપાસ પૂર્ણ થઇ છે. પરંતુ સંભવત: પેપર ફરી લેવાશે નહીં. સોશિયલ મીડીયામાં ફરતા થયેલા ૧૨માંથી ૧૧ સવાલ પેપરમાં બેઠા પૂછાયા હતાં.
જામનગરમાં કાર્યરત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી હેઠળની રાજયની પાંચ સરકારી સહીત કુલ ૩૬ કોલેજમાં ગત તા.૨૦ જુલાઇના બીએએમએસ તૃતિય વર્ષના શલ્યતંત્ર-૧નું પેપર લેવાયું હતું. જેમાં સોશીયલ મીડીયામાં ફરતા થયેલા ૧૨ ૫ૈકી ૧૧ સવાલ બેઠા પૂછાતા પેપર લીક થયાના આક્ષેપ સાથે ભારે હોબાળો મચી ગયો હતો. આથી કુલપતિના આદેશથી તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. તપાસ સમિતિએ કથિત પેપર લીક પ્રકરણની તપાસ કરી અહેવાલ સોંપ્યો છે.
આ અંગે યુનિવર્સિટીના સંબધિત અધિકારીઓના જણાવ્યાનુસાર તપાસ અહેવાલ પરથી પેપર લીક ન થયાનું તારણ બહાર આવ્યું છે. કારણ કે, સોશીયલ મીડીયામાં ફરતા થયેલા મહત્વના પોઇન્ટ છે તે પ્રશ્ર્નોના સ્વરૂપમાં નથી. તદઉપરાંત ફરતા થયેલા કથિત ઇમ્પોર્ટટન્ટ પોઇન્ટનો ફેલાવો પણ સામે આવ્યો નથી અને વિધાર્થીમાંથી પણ કોઇ ફરિયાદ કે રજૂઆતો આવી નથી. આથી જે તે વિષયની પરીક્ષા પુન: લેવાશે નહીં.