સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા લોકો માટે મહત્ત્વના સમાચાર છે. હવે ઇન્સ્ટાગ્રામ પર અશ્લીલ, યૌન ઉશ્કેરણીજનક અને હિંસક કન્ટેન્ટ ઓછું જોવા મળશે. મેટાએ ભારતમાં ઇન્સ્ટાગ્રામના રિકમેન્ડેશન નિયમો વધુ કડક બનાવ્યા છે. ખાસ કરીને જે એકાઉન્ટને યુઝર્સ ફોલો કરતા નથી, તેમની પોસ્ટ રીલ્સ અને મુખ્ય ફીડમાં કેટલી દેખાડવી તે અંગે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે.
મેટાએ આ ફેરફાર એવા સમયે કર્યા છે, જ્યારે કેન્દ્ર સરકારે આશરે એક મહિના પહેલાં કંપનીને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર યૌન ઉશ્કેરણીજનક તથા હિંસક પોસ્ટના રિકમેન્ડેશન સિસ્ટમની સમીક્ષા કરવા સૂચના આપી હતી.
મેટાએ સ્પષ્ટ કર્યું છે કે ઇન્સ્ટાગ્રામની કોમ્યુનિટી ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન ન કરતી પોસ્ટ પ્લેટફોર્મ પર યથાવત્ રહેશે. જોકે, તેનો અર્થ એ નથી કે આવી દરેક પોસ્ટને વધુ લોકો સુધી પહોંચાડવામાં આવશે. એટલે કે પોસ્ટ ડિલીટ નહીં થાય, પરંતુ તેને રિકમેન્ડ કરવાની સંભાવના ઓછી કરવામાં આવશે.
કંપનીના જણાવ્યા અનુસાર, છેલ્લા એક વર્ષ દરમિયાન યુઝર્સના ફીડબેકના આધારે ડિફોલ્ટ સેફ્ટી સિસ્ટમને વધુ મજબૂત બનાવવામાં આવી છે. ઇન્સ્ટાગ્રામ કોઈ પોસ્ટને રિકમેન્ડ કરતાં પહેલાં તેનું મૂલ્યાંકન કરવા એઆઈ મોડલનો ઉપયોગ કરે છે. ભારતમાં આ સિસ્ટમને વધુ અસરકારક બનાવવામાં આવી છે, જેથી સંવેદનશીલ કન્ટેન્ટની ઓળખ સરળતાથી થઈ શકે.
મેટાનો દાવો છે કે હવે યુઝર્સ એક વર્ષ પહેલાંની સરખામણીએ રિકમેન્ડ કરવામાં આવતા કન્ટેન્ટની ફરિયાદ લગભગ અડધી કરી રહ્યા છે. જોકે, કંપનીએ આ અંગે ચોક્કસ આંકડા જાહેર કર્યા નથી.
ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે 10 ઓક્ટોબરે મેટાને એડવાઇઝરી જાહેર કરી હતી. તેમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના પોસ્ટ રેન્કિંગ તથા રિકમેન્ડેશન સિસ્ટમની સમીક્ષા કરવા જણાવાયું હતું.
મંત્રાલયે ચિંતા વ્યક્ત કરી હતી કે સોશિયલ મીડિયા અલ્ગોરિધમ ભ્રામક, એડિટ કરેલી અથવા મૂળ વિષયથી અલગ રીતે રજૂ કરાયેલી પોસ્ટને વધુ પ્રાથમિકતા આપી શકે છે. આ ઉપરાંત હિંસા ભડકાવી શકે અથવા જાહેર વ્યવસ્થાને નુકસાન પહોંચાડી શકે તેવી પોસ્ટ પર પણ કડક નજર રાખવા સૂચના આપવામાં આવી હતી.
મંત્રાલયે મેટાને એ પણ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું કે યુઝર્સને માત્ર અમુક પસંદગીના વિચારો કે નેરેટિવ જ જોવા ન મળે. સાથે જ કંપનીએ આ અંગે લીધેલા પગલાંનો અહેવાલ પણ રજૂ કરવાનો રહેશે.
જોકે, મેટાએ ઇન્સ્ટાગ્રામમાં કરેલા નવા ફેરફારોને કેન્દ્ર સરકારની એડવાઇઝરી સાથે સીધા જોડ્યા નથી. ભારતમાં બનેલી ઘટનાઓ સંબંધિત પોસ્ટના રિકમેન્ડેશનમાં કોઈ ફેરફાર કર્યો છે કે નહીં તે અંગે પણ કંપનીએ સ્પષ્ટતા કરી નથી.