દ્વારકા સહિત શિવરાજપૂર બીચ, બેટદ્વારકા, મોમાઇબીચ, નાગેશ્ર્વર સહિતના ધાર્મિક સ્થળોએ થર્ટીફર્સ્ટ અને નાતાલની રજાઓને લીધે દરેક સ્થળોએ ભકતજનો અને સહેલાણીઓ ઉમટી પડયા હતાં, ખાસ કરીને દ્વારકાધીશ જગતમંદિરે નવા વર્ષને વધાવવા બ્રહ્મ મુર્હુતમાં ગોમતી સ્નાન કરી કાળીયા ઠાકોરના દર્શન કરી ભકતોએ પુણ્યનું ભાથુ બાંઘ્યું હતું. થર્ટીફર્સ્ટના રોજ રિલાયન્સ પરીવારના મુકેશ અંબાણી, અનંત અંબાણી, રાધીકા અંબાણીએ પણ દ્વારકાધીશના દર્શન કરી પુજા-અર્ચના કરી હતી.
નવા વર્ષના પ્રારંભે ઠાકોરજીના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરવા દ્વારકાના જગતમંદિરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. દર્શન પૂર્વે બ્રહ્મ મુહૂર્તમાં ભાવિકો ગોમતી નદીએ પહોંચી સ્નાન કર્યા બાદ સૂર્યોદયનું પ્રથમ કિરણ દેખાતા જ નવા વર્ષના આદિત્યને વધાવવા માટે ભાવિકોએ ગોમતી નદીના જળથી અર્ધ્ય આપી સૂર્યવંદના કરી નવા વર્ષનો પ્રારંભ કર્યો હતો.
ગઇકાલે વહેલી સવારથી જ ગોમતી તટે, ભારે ચહલપહલ જોવા મળી હતી. લોકોએ સ્નાનવિધિ કરીને સૂર્યને અર્ધ્ય આપી બાદમાં છપ્પન સીડી સ્વર્ગદ્વારેથી મંદિરમાં પ્રવેશી રાજાધીરાજ ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. નવા વર્ષ નિમિતે સૌના સુખ સામર્થ્યની પ્રાર્થના કરી હતી. મંદિરમાં ઠોકોરજીને પુજારીઓએ લાડ લડાવી કેસરિયા વાઘા પરિધાન કરાવ્યા હતાં તેમજ સોના ચાંદીના આભુષણો સાથે અલૌકિક શણગાર કર્યો હતો. મંદિરમાં ખાસ કુંડલા મનોરથ યોજાયો હતો. સાથોસાથ મહાઆરતી થતાં ભાવિકોએ ઠાકોરજીના સ્મરણ સાથે ભાવવંદના કરી હતી.
નૂતન વર્ષ નિમિતે દ્વારકામાં ભારે ભીડ જામી હતી. તમામ હોટલો અને ગેસ્ટહાઉસો પેક થઈ ગયા હતા. આ ઉપરાંત યાત્રિકોએ પંચકૂઈ, શિવરાજપુર બીચ, નાગેશ્વર, બેટ-દ્વારકા પહોંચી નવા વર્ષ નિમિતે જુદા-જુદા દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી. આ પંથકમાં હજુ ચાર દિવસ સુધી યાત્રિકોની ચહલ-પહલ મોટા પ્રમાણમાં જોવા મળશે.