કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલય દ્વારા દેશભરની ગ્રામ પંચાયતોના વહીવટી અને વિકાસકીય પ્રદર્શનને ચોક્કસપણે માપવા માટે એક વિશેષ 'પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ' અમલમાં મૂકવામાં આવ્યો છે. તાજેતરમાં જાહેર કરાયેલા આ રાષ્ટ્રીય અહેવાલના આંકડાઓએ ગુજરાતના પ્રચલિત 'વિકાસ મોડેલ' સામે અનેક પ્રશ્નાર્થો ઊભા કર્યા છે. આ મોનિટરિંગ રિપોર્ટ અનુસાર, રાજ્યની કુલ ૧૪,૫૩૮ ગ્રામ પંચાયતોમાંથી માત્ર ૭૫ પંચાયતો જ સર્વોચ્ચ 'એ' ગ્રેડ મેળવવામાં સફળ રહી છે.
ગ્રામ પંચાયતોના આ મૂલ્યાંકનમાં ગામડાઓના સર્વાંગી વિકાસ માટેના અત્યંત મહત્ત્વપૂર્ણ મુદ્દાઓને સામેલ કરવામાં આવ્યા હતા. જેમાં ગરીબી મુક્તિ, આજીવિકાની તકો, ગામડાઓનું ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (જેમ કે પાકા રસ્તા અને વીજળી), પીવાનું શુદ્ધ પાણી, સ્વચ્છતાની સ્થિતિ, પ્રાથમિક આરોગ્ય સેવાઓ, મહિલા અને બાળ કલ્યાણ તેમજ પારદર્શક સુશાસન જેવા માપદંડોનો સમાવેશ થાય છે. આ સિસ્ટમ હેઠળ ૦ થી ૧૦૦ ના સ્કોરના આધારે પંચાયતોનું ગ્રેડિંગ નક્કી કરવામાં આવે છે.
દેશના અન્ય રાજ્યો સાથે સરખામણી કરીએ તો ગુજરાતનું પ્રદર્શન ઘણું નબળું સાબિત થયું છે. અહેવાલ મુજબ, તેલંગાણામાં ૬૨૪, આંધ્ર પ્રદેશમાં ૫૮૧, ઓડિશામાં ૫૫૫, મહારાષ્ટ્રમાં ૩૧૫ અને તમિલનાડુમાં ૧૬૭ પંચાયતોએ 'એ' ગ્રેડ હાંસલ કર્યો છે. જ્યારે દક્ષિણ અને પૂર્વના રાજ્યોની સરખામણીમાં ગુજરાત રાજ્ય માત્ર ૭૫ પંચાયતો સાથે આ યાદીમાં ઘણું પાછળ રહી ગયું છે, જે ગ્રામીણ ક્ષેત્રોના વિકાસની વાસ્તવિકતા દર્શાવે છે.
ગુજરાતની ગ્રામ પંચાયતોના ગ્રેડિંગ પર વિગતવાર નજર કરીએ તો, માત્ર ૭૫ પંચાયતોને શ્રેષ્ઠ કામગીરી માટે 'એ' ગ્રેડ મળ્યો છે. જ્યારે સૌથી વધુ ૧૧,૮૭૩ પંચાયતો 'બી' ગ્રેડમાં અને ૨,૭૮૧ પંચાયતો 'સી' ગ્રેડમાં અટકી ગઈ છે. આ આંકડાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે રાજ્યના મોટાભાગના ગામડાઓમાં પીવાનું શુદ્ધ પાણી, આરોગ્ય અને બાળ કલ્યાણ જેવા પાયાના ક્ષેત્રોમાં હજુ પણ ભારે ઉદાસીનતા જોવા મળી રહી છે.
રાજ્યમાં સરકારી તિજોરીઓમાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવાતી હોવા છતાં ગામડાઓ પાયાની સુવિધાઓમાં પાછળ કેમ રહી જાય છે તે એક મોટો પ્રશ્ન બનીને સામે આવ્યો છે. નિષ્ણાતોના મતે માત્ર કાગળ પર ચાલતી યોજનાઓથી ગામડાઓનો સાચો ઉદ્ધાર શક્ય નથી. જો ગુજરાતની પંચાયતોને ફરી મોખરે લાવવી હશે અને રાષ્ટ્રીય સ્તરે સારો ગ્રેડ મેળવવો હશે, તો રાજ્ય સરકાર, વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ જમીની સ્તરે સખત મહેનત કરીને સુધારા કરવા પડશે.