રાજકોટના ઐતિહાસિક રેસકોર્સ મેદાન ખાતે 'વિરાસતથી વિકાસ' થીમ આધારિત જન્માષ્ટમીના લોકમેળાનો આજે અત્યંત ઉત્સાહભેર પ્રારંભ થયો છે. સમાજમાં સમાનતા અને શ્રમનું સન્માન જાળવી રાખવાના અનોખા અભિગમ સાથે આ મેળાનું ભાવભીનું ઉદ્ઘાટન કલેક્ટર કચેરીના સફાઈ કામદારના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળા, કલેક્ટર ઓમ પ્રકાશ સહિતના ઉચ્ચ નેતાઓ, પ્રાંત અધિકારીઓ અને વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 34 રાઈડ્સને હજુ સુધી મંજૂરી ન મળતા લોકો પણ ગણગણાટ જોવા મળ્યો હતો.
મેળાના શુભારંભ સાથે જ ઢોલ અને શરણાઈના મધુર સૂર વચ્ચે લોકકલાકારો દ્વારા દુહા અને ખમીરવંત લોકગીતોની ભવ્ય રમઝટ બોલાવવામાં આવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોકસંગીતના સુરાવલીથી સમગ્ર મેળાનુ પરિસર ગૂંજી ઉઠ્યું હતું અને અહીં પહોંચેલા નગરજનો મંત્રમુગ્ધ બન્યા હતા. પરંપરાગત વાતાવરણ અને આધુનિક મનોરંજનના સમન્વય સાથે શરૂ થયેલા આ મેળામાં લોકોમાં અદભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આગામી પાંચ દિવસ સુધી ચાલનારા આ લોકમેળામાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડવાની પૂરેપૂરી શક્યતા છે. તહેવારની રંગત માણવા માટે વિવિધ પ્રકારના રાઈડ્સ, ચકરડીઓ, ખાણી-પીણીના સ્ટોલ્સ અને હસ્તકળાની દુકાનોથી મેળો સજ્જ થઈ ગયો છે. મુલાકાતીઓની સુરક્ષા અને સુવિધા માટે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા તેમજ જરૂરી તમામ આયોજનો સુનિશ્ચિત કરવામાં આવ્યા છે.