ફ્લાયદુબઈ વિમાનની ઘટના બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન, તેમણે સ્મિતની બહાદુરીના વખાણ કર્યા અને તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી. કેપ્ટન સ્મિતે તેમના અનુભવની વિગતો જણાવી અને તે પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત તેમને ક્યાંથી મળી તે વિશે વાત કરી હતી.
વડાપ્રધાન મોદીએ બહાદુર કેપ્ટન સ્મિત મચ્છર સાથે વાત કરી. તેમણે કહ્યું, સમગ્ર દેશ તમારા માટે પ્રાર્થના કરી રહ્યો છે. તમારા સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે મહામૃત્યુંજય' મંત્રોનો જાપ કરવામાં આવી રહ્યો છે. તમારી હિંમત, સૂઝબૂઝ અને સંયમે ઘણા લોકોના જીવ બચાવ્યા. દેશ ગર્વથી કહી શકે છે કે આપણે ભારતીયો જીવ લેનારા નહીં, પણ જીવ બચાવનારા લોકો છીએ. મને મારા હૃદયમાં અપાર ગર્વની લાગણી થાય છે.
પાયલટ મચ્છરના વખાણ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું, તમારી સૂઝબૂઝે ઘણા લોકોના જીવ બચાવ્યા. આપણે ભારતીયો દુનિયાને ગર્વથી કહી શકીએ છીએ કે આપણે જીવ લેનારા નહીં, પણ જીવ બચાવનારા લોકો છીએ. તમને ગંભીર ઈજા થઈ હતી અને તમે જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા હતા, તેમ છતાં તમે પોતાના જીવની પરવા કર્યા વિના દરેકને બચાવ્યા. તમે 1.4 અબજ દેશવાસીઓનું ગૌરવ વધાર્યું છે."
વડાપ્રધાન મોદીએ પાયલટ સ્મિત મચ્છરના પત્ની અને માતા-પિતા સાથે પણ વાત કરી. તેમણે તેમને ખાતરી આપી કે સમગ્ર દેશ સ્મિતની સાથે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું, ગઈકાલે દેશભરના મંદિરો અને તીર્થસ્થાનોમાં પ્રાર્થના અને આરતી કરવામાં આવી હતી. દરેક વ્યક્તિ તમારા દીર્ઘાયુ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યું છે. તમે ચોક્કસપણે ઝડપથી સાજા થઈ જશો. ભારત તમારું સ્વાગત કરવા માટે આતુર છે. તમે જે પીડામાંથી પસાર થઈ રહ્યા છો તે હું સમજી શકું છું. તમે એક બહાદુર વ્યક્તિ છો.
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, જો તમે લોકોના જીવ બચાવ્યા ન હોત તો વિચારો કે ભારત પર શું વીતી હોત અને ભારતના તમામ પાઈલટ પર શું વીતી હોત? તમે બધાને બચાવ્યા અને તેથી હું તમારો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
વાતચીતના અંતે વડાપ્રધાને કેપ્ટન સ્મિત અને તેમના પરિવાર અને બાળકો વિશે પૂછપરછ કરી. તેમણે કહ્યું કે, 'જય શ્રી કૃષ્ણ… ગુજરાતીમાં વાત કરી લઈએ? બાળકોને મળ્યા કે નહીં? ડૉક્ટરોએ મળવા દીધા કે નહીં? ગુજરાતી બોલો છો કે નહીં?
હુમલા બાદ હું નીચે ઢળી પડ્યો, હનુમાન ચાલીસા બોલી રહ્યો હતો: સ્મિત મચ્છર
ઘટનાની ભયાનક પળોને યાદ કરતાં કેપ્ટન સ્મિત મચ્છરે પીએમ મોદીને જણાવ્યું કે, હું નીચે ઢળી પડ્યો હતો પણ મને એમ હતું કે હું લોકોને મરવા ના દઈ શકું. તે સમયે પણ હું હનુમાન ચાલીસા બોલી રહ્યો હતો અને હનુમાનજીએ જ અમને બચાવ્યા.
તમારી માતાને પ્રણામ કરું છું કે તેમણે તમને આવા સંસ્કાર આપ્યા: પીએમ મોદી
વડાપ્રધાન મોદીએ કેપ્ટન સ્મિતની બહાદુરીને બિરદાવતા કહ્યું કે તમે આટલા લોકોના જીવ બચાવ્યા. આજે આખો દેશ ગર્વ લઈ રહ્યો છે કે અમે જીવ લેતા નથી, લોકોના જીવ બચાવીએ છીએ. પોતે ઈજાગ્રસ્ત થયા છતાં તમે પોતાની ચિંતા ના કરી અને મુસાફરોના જીવની ચિંતા કરી છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, હું તમારી માતાને પ્રણામ કરું છું કે તેમણે તમને આવા સંસ્કાર આપ્યા. સાવરકુંડલા અને વઢવાણમાં પણ અત્યારે ભાવુક માહોલ છે, દેશના મંદિરોમાં લોકો તમારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.