BREAKING NEWS

PM મોદી વડોદરામાં રૂ.35,000 કરોડના કામોનું લોકાર્પણ કરશેઃ રેમ્પ પર ચાલી જેન-ઝી સાથે સંવાદ

  • September 08, 2026 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ વડોદરા અને નવસારીમાં વિવિધ ભવ્ય કાર્યક્રમોમાં હાજરી આપશે. વડોદરાની એમએસ યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે આયોજિત મુખ્ય કાર્યક્રમમાં પીએમ મોદી રૂ.35,200 કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ વિકાસ કાર્યોથી રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આર્થિક ક્ષેત્રને મોટો વેગ મળશે. આ વખતનો વડોદરાનો કાર્યક્રમ ટેકનોલોજી અને આયોજનની દ્રષ્ટિએ અત્યંત ખાસ અને નવતર પ્રયોગરૂપ બની રહેશે. વિશેષ કરીને જેન-ઝીને ધ્યાનમાં રાખીને સ્ટેજ પર ખાસ 'વાય' આકારનો રેમ્પ તૈયાર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન આ રેમ્પ પર રોકસ્ટાર સ્ટાઇલમાં ચાલતા-ચાલતા યુવાનો અને પ્રોફેશનલ્સ સાથે સીધો સંવાદ કરશે અને તેમનું અભિવાદન ઝીલશે. 

વડાપ્રધાનના આ આગમનને પગલે સમગ્ર વડોદરા શહેર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. ફતેગંજ, કારેલીબાગ, અને વીઆઈપી રોડ જેવા મુખ્ય વિસ્તારોને આકર્ષક લાઇટિંગથી શણગારવામાં આવ્યા છે, જેનાથી રાત્રિના સમયે શહેરનો નજારો અદભુત બન્યો છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રાહુલ ગાંધીના 'છાત્રો કી ગૂંજ' કાર્યક્રમની તર્જ પર હવે પીએમ મોદી પણ કોન્સર્ટ સ્ટાઇલમાં યુવાઓ સાથે જોડાઈ રહ્યા છે. સરકારી કાર્યક્રમોના ઇતિહાસમાં પ્રથમ વખત પ્રવેશ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા અપનાવવામાં આવી હતી, અને યુવાઓમાં ભારે ઉત્સાહના કારણે 6,000 લોકોની ક્ષમતા ધરાવતું બુકિંગ મિનિટોમાં ફૂલ થઈ ગયું હતું. આ સમગ્ર કાર્યક્રમનું ટેલિકાસ્ટ ફોરકે કેમેરાથી અત્યાધુનિક કવરેજ સાથે કરવામાં આવશે.

વડાપ્રધાનની સુરક્ષા માટે એરપોર્ટથી લઈને સભા સ્થળ સુધી ત્રિસ્તરીય કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થામાં 2,000થી વધુ પોલીસ જવાનો, 11 ડીસીપી અને 17 એસીપી તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે સમગ્ર વિસ્તાર પર ડ્રોન કેમેરાથી સતત નજર રાખવામાં આવી રહી છે. ઈતિહાસમાં પહેલીવાર સુરક્ષાના ભાગરૂપે મંગલ પાંડે બ્રિજ નીચે આવેલી વિશ્વામિત્રી નદીમાં ફાયર બ્રિગેડની ટીમે બોટ મારફતે ઉતરીને બોમ્બ અને શંકાસ્પદ વસ્તુઓનું ચેકિંગ હાથ ધર્યું હતું.

વડોદરાનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી નવસારી જવા રવાના થશે. નવસારી ખાતે તેઓ ભાજપના નવનિર્મિત 'કમલમ' કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કરશે. નવસારીમાં પીએમ મોદીના સ્વાગત માટે પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. મુખ્ય રોડથી કાર્યાલય સુધી 1,100 મહિલાઓ માથે કળશ લઈને વડાપ્રધાનનું સ્વાગત કરશે. આ ઉપરાંત, કાર્યાલયની બહાર 500 કલાકારો ડમરું વગાડીને અને 100થી વધુ લોકો ત્રાસાના નાદ સાથે વડાપ્રધાન મોદીનું ભવ્ય અને પરંપરાગત શૈલીમાં અભિવાદન કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application