વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલ જેણે 750 રૂપિયા લઈને પ્રવાસનું આયોજન કર્યું હતું તેની સામે પીડિત પરિવારોના 11 વાલીઓ દ્વારા વડોદરાની ગ્રાહક કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં દરેક ફરિયાદ દીઠ 1.52 કરોડ એમ કુલ મળી 16.61 કરોડ રૂપિયાના વળતરનો દાવો શાળા સામે કરવામાં આવ્યો છે.
વડોદરા હરણી બોટકાંડની ઘટનાને ગઈકાલે બે વર્ષ પૂર્ણ થયા હતા. ત્યારે પીડિત પરિવારો, કોંગ્રેસ અને ભાજપના કાઉન્સિલર આશિષ જોષીએ મળીને હરણી લેક બહાર શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું હતું. જેમાં પીડિત પરિવારોના આક્રંદે વાતાવરણ ગમગીન બનાવી દીધું હતું. મૃતક મુહવિયા શેખની માતા મેજબીન શેખે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીને બીક લાગે છે એટલે તો વડોદરા આવ્યા નથી. તેમને બીક લાગે છે કે હું ત્યાં જઈશ તો પીડિત પરિવારો મને મારી નાખશે. ઉલ્લેખનીય છે કે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વડોદરામાં કાર્યક્રમ હતો, પરંતુ આજે આ કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો હતો.
ન્યૂ સનરાઈઝ સ્કૂલ દ્વારા જરૂરી પરવાનગી લીધા વિના 18 જાન્યુઆરી 2024ના રોજ હરણી લેક ઝોન ખાતે શાળા પ્રવાસનું આયોજન કર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં મૃત્યુકાંડ બાદ ડીઈઓ કચેરીથી નજીવો એવો દસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. જે તમામ બાબતોને આવરીને વાલીઓ હવે શાળા સામે વળતરની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક મુહવિયા શેખની માતા મેજબીન શેખે આક્રંદ સાથે જણાવ્યું હતું કે, અમને ન્યાય મળ્યો નથી અને હવે આશા પણ રહી નથી કે, ગુજરાત સરકાર અમને ન્યાય અપાવશે. કારણ કે, આ લોકો અમારી પાછળ પોલીસ મૂકી દે છે. અમે અમારા બાળકો ગુમાવ્યા છતાં અમારી સાથે ગુનેગાર જેવું વર્તન કરે છે અને ગુનેગારો અત્યારે બિન્દાસ્ત ફરે છે. જાહેર કાર્યક્રમમાં આરોપીઓને સાથે બેસાડવામાં આવે છે અને અમે જઈએ છીએ તો એજન્ડા સાથે આવ્યા હોવાની વાત કરે છે. ક્રાઈમ બ્રાન્ચમાં ચાર કલાક સુધી બેસાડી રાખે છે.
આ દુર્ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષિકાના મોત થયા હતા, જ્યારે બે ઘાયલ થયા હતા. મૃતક બાળક દીઠ 31.75 લાખ, એક શિક્ષકના પરિજનોને 11.22 લાખ, બીજા શિક્ષકને 16.68 લાખ તેમજ ઘાયલોને 50 હજાર રૂપિયા વળતર વડોદરા જિલ્લા કલેકટરે નક્કી કર્યું હતું.