BREAKING NEWS

અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની બે ફ્લાઇટ છેલ્લી ઘડીએ રદ કરાતા મસાફરોનો હોબાળો

  • November 13, 2026 01:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગઈકાલે ઇન્ડિગો એરલાઇન્સના અણઘડ વહીવટનો ભોગ સેંકડો મુસાફરો બન્યા હતા. એરલાઇન્સ દ્વારા અમદાવાદથી નાસિક અને ભોપાલ જતી બે મહત્વપૂર્ણ ફ્લાઇટ છેલ્લી ઘડીએ રદ કરી દેવામાં આવતા મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા હતા. ખાસ કરીને નાસિક જતી ફ્લાઇટમાં મુસાફરોનું બોર્ડિંગ થઈ ગયા બાદ અને સામાન જમા લઈ લીધા પછી ટેકઓફના માત્ર એક કલાક પહેલા ફ્લાઇટ કેન્સલ કરવાની જાહેરાત કરાતા એરપોર્ટ પરિસરમાં મુસાફરોનો રોષ ફાટી નીકળ્યો હતો.ઘટનાની વિગતો મુજબ, ઇન્ડિગો એરલાઇન્સની અમદાવાદથી નાસિક જતી ફ્લાઇટ સાંજે 4.05 વાગ્યે ઉડાન ભરવાની હતી.


નિયમ મુજબ મુસાફરો પોતાની મુસાફરી સમયસર પૂર્ણ કરવા માટે બેથી ત્રણ કલાક પહેલા જ એરપોર્ટ પર પહોંચી ગયા હતા. એરલાઇન્સ સ્ટાફ દ્વારા તમામ મુસાફરોની બોર્ડિંગ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી હતી અને તેમનો લગેજ પણ જમા કરી લેવાયો હતો. જોકે, જ્યારે મુસાફરો વિમાનમાં બેસવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે ઉડાનના માત્ર એક કલાક પહેલા ફ્લાઇટ રદ કરવામાં આવી હોવાની જાહેરાત કરાતા મુસાફરોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આ જ દિવસે અમદાવાદથી ભોપાલ જતી ઇન્ડિગોની અન્ય એક ફ્લાઇટ નંબર 6ઈ 7191 પણ રદ કરવામાં આવતા મુસાફરોની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો હતો.



ફ્લાઇટ રદ થયા બાદ ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા મુસાફરોને જે વૈકલ્પિક વ્યવસ્થા સૂચવવામાં આવી તેનાથી મુસાફરો વધુ રોષે ભરાયા હતા. નાસિક જવા માટે કોઈ અન્ય સીધી ફ્લાઇટની વ્યવસ્થા કરવાને બદલે એરલાઇન્સે મુસાફરોને અમદાવાદથી મુંબઈની ફ્લાઇટમાં જઈ ત્યાંથી રોડ માર્ગે નાસિક પહોંચવાનો અથવા બીજા દિવસની ટિકિટ લેવાનો વિકલ્પ આપ્યો હતો. માત્ર એકાદ કલાકની હવાઈ મુસાફરીના બદલે કલાકોની લાંબી અને થકવી નાખનારી મુસાફરીનો વિકલ્પ અપાતા અનેક મુસાફરોના મહત્વના સામાજિક અને ધંધાકીય કાર્યક્રમો ખોરવાઈ ગયા હતા.

રોષે ભરાયેલા મુસાફરોએ એરપોર્ટ પર જ વિરોધ નોંધાવીને ડીજેસીએના નિયમો મુજબ પૂરતું વળતર અને સંપૂર્ણ રિફંડ ચૂકવવાની ઉગ્ર માગણી કરી હતી. સમગ્ર મામલે ફ્લાઇટમાં મુસાફરી કરવા આવેલા એક પેસેન્જરે આક્ષેપ કર્યો હતો કે એરલાઇન્સ દ્વારા કોઈ પૂર્વ સૂચના આપ્યા વિના ટેક્નિકલ ખામીનું બહાનું આગળ ધરીને ફ્લાઇટ કેન્સલ કરી દેવામાં આવી છે, જેના કારણે અમારો કિંમતી સમય વેડફાયો છે. બીજી તરફ, આ વિવાદ અંગે ઇન્ડિગો એરલાઇન્સના સત્તાવાર સૂત્રો દ્વારા બચાવ કરતા જણાવવામાં આવ્યું હતું કે અમદાવાદથી નાસિક અને ભોપાલ જતી બંને ફ્લાઇટ અનિવાર્ય ’ઓપરેશનલ કારણોસર’ રદ કરવાની ફરજ પડી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application