BREAKING NEWS

બ્રિટનના ઐતિહાસિક કિલ્લા પર પાકિસ્તાની ધ્વજ ફરકાવતાં રાજકીય બબાલ: 'રિફોર્મ યુકે' પાર્ટીએ સરકાર સામે ઉઠાવ્યા સવાલો

  • September 09, 2026 10:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બ્રિટનના વેલ્સ ખાતે આવેલા અત્યંત ઐતિહાસિક 'કાર્ડિફ કેસલ' (કિલ્લા) પર પાકિસ્તાનનો રાષ્ટ્રીય ધ્વજ ફફડાવવામાં આવતાં દેશમાં એક નવો રાજકીય વિવાદ ઊભો થયો છે. રાષ્ટ્રીય વિરોધ પક્ષ 'રિફોર્મ યુકે' ના વરિષ્ઠ નેતા અને આર્થિક પ્રવક્તા રોબર્ટ જેનરિકે સોશિયલ મીડિયા પર ધ્વજવંદનનો વિડિયો શેર કરીને તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે આ ઘટનાને બ્રિટિશ સંસ્કૃતિ પર કબ્જો કરવાનો અને પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો. જેનરિકે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે બ્રિટનની ઐતિહાસિક અને રાષ્ટ્રીય ધરોહર પર વિદેશી ઝંડા શા માટે લહેરાવવામાં આવી રહ્યા છે? તેમણે દાવો કર્યો હતો કે તેમની સરકાર આવશે તો આવા શરમજનક સમર્પણનો અંત લાવીને રાષ્ટ્રીય ઓળખ પુનઃસ્થાપિત કરાશે.

જેનરિકની આ ટિપ્પણી બાદ કન્ઝર્વેટિવ પાર્ટી અને અન્ય રાજકીય પક્ષોના નેતાઓએ રિફોર્મ યુકે પર આકરા પ્રહારો કર્યા છે. વેલ્શ કન્ઝર્વેટિવ એમએસ નતાશા અસગરે રિફોર્મ યુકે પર જાતિવાદી વિવાદ અને દેશમાં બિનજરૂરી તણાવ ભડકાવવાનો આરોપ મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે વિવિધ સમુદાયોના સન્માનમાં યોજાતા ધ્વજવંદન કાર્યક્રમો કોઈ કબજાનું પ્રતીક નથી પરંતુ પરસ્પર સન્માન અને એકતા દર્શાવવાનો માર્ગ છે. તે જ રીતે, પ્લેઇડ વેસ્ટમિન્સ્ટરના નેતા લિઝ સેવિલ રોબર્ટ્સે આરોપ લગાવ્યો કે પોતાની પાર્ટીના આંતરિક વિવાદોથી ધ્યાન ભટકાવવા માટે રિફોર્મ યુકેના નેતાઓ સમાજમાં ભંગાણ પાડવાના હથકંડા અપનાવી રહ્યા છે.


બીજી તરફ વિવાદ વધતાં કાર્ડિફ કાઉન્સિલના લેબર પાર્ટીના નેતા ક્રિસ વીવરે સ્પષ્ટતા કરી હતી કે 14 ઓગસ્ટે પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ નિમિત્તે કાર્ડિફ કેસલ પર પાકિસ્તાની ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. આ પગલું શહેરમાં વસતા પાકિસ્તાની સમુદાયના યોગદાનને માન્યતા આપવા માટે લેવાયું હતું. તેમણે વધુમાં માહિતી આપી હતી કે કાઉન્સિલની આ લાંબા સમયથી ચાલી આવતી પરંપરા છે. આ જ પરંપરા હેઠળ 15 ઓગસ્ટે ભારતના સ્વતંત્રતા દિવસ નિમિત્તે પણ કાર્ડિફ કેસલ પર ભારતનો ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો, જ્યારે વેલ્સ અને બ્રિટનના રાષ્ટ્રીય ધ્વજ તો હંમેશાની જેમ કેસલ પર હાજર જ હતા.


​​​​​​​નોંધનીય છે કે નાઇજેલ ફારાજની આગેવાની હેઠળની રિફોર્મ યુકે પાર્ટી બ્રિટનમાં ઝડપથી લોકપ્રિય થઈ રહી છે. તાજેતરના સર્વેક્ષણોમાં પાર્ટીને આશરે 35 ટકા મતદારોનું સમર્થન મળતું દેખાઈ રહ્યું છે. વર્ષ 2024 ની સામાન્ય ચૂંટણીઓમાં 14.13 ટકા વોટ અને 5 બેઠકો જીત્યા બાદ, આ પાર્ટી ગેરકાયદેસર ઇમિગ્રેશન અને મોંઘવારીને મુખ્ય મુદ્દો બનાવીને શાસક લેબર અને વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટીઓને સતત ઘેરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News