વોર્ડ નં.૧૪માં જૂના પારડી રોડ ઉપર ફાયર સ્ટેશન અને કોમ્યુનિટી હોલનો પ્રોજેકટ શરૂ થાય તે પૂર્વે જ વિરોધ વંટોળ
વૃક્ષ છેદન કરી અને વોંકળા ઉપર થનાર બાંધકામ અટકાવવા માગણી: લતાવાસીઓની મિટિંગ મળી, આંદોલનનું એલા
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વોર્ડ નં.૧૪માં વોંકળા પૈકીના અમુક હિસ્સા ઉપર ફાયર બ્રિગેડ સ્ટેશન અને કોમ્યુનિટી હોલનો પ્રોજેકટ મૂકવામાં આવ્યો હોય તેમજ આ પ્રોજેકટ માટે લતાવાસીઓએ વોંકળા વિસ્તારમાં રોપીને જતનપૂર્વક ઉછેરેલા ૭૫ જેટલા વર્ષેા જૂના ઘેઘૂર વૃક્ષોનું પણ છેદન કરવું પડે તેમ હોય આ મામલે લતાવાસીઓમાં રોષ ભભૂકી ઉઠો છે અને ગઈકાલે આ માટે મિટિંગ યોજી પ્રોજેકટ અન્યત્ર સ્થળાંતરિત કરવા અને પ્રોજેકટ માટે આગામી દિવસોમાં થનાર વૃક્ષોનું છેદન રોકવા મામલે આંદોલન છેડવાનું નક્કી થયું હતું.
વોર્ડ નં.૧૪ના કોઠારીયા કોલોની અને વાણીયાવાડી–૪ વચ્ચે જુના પારડી માર્ગ વચ્ચે જે વોકળો આવેલ છે તે વોકળા ઉપરના ખુલ્લા પ્લોટ ઉપર .૪૫ કરોડના ખર્ચે ફાયર બ્રિગેડ સ્ટેશન અને મ્યુનિસિપલ કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવાની તજવીજ મહાનગરપાલિકા દ્રારા હાથ ધરવામાં આવી છે. ત્યારે આ વિસ્તારના ૪૦ વર્ષથી પણ વધુ જૂના એવા ૭૫ જેટલા ઘેઘુર વૃક્ષોનું નિકંદન કાઢવા વિચારણા હાથ ધરાઇ છે. વોંકળા ઉપર બે માળના બાંધકામને પગલે વોંકળા ઉપર વરસાદી પાણીના અવરોધના પગલે આ વિસ્તારના લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય એવી દહેશતના પગલે રાજકોટના પર્યાવરણ પ્રેમીઓ,કોઠારીયા કોલોનીના રહીશો,જાગૃત નાગરિકો તેમજ કોઠારીયા કોલોની યુવા ગ્રુપ દ્રારા એક બેઠક યોજાઇ હતી.
વિશેષમાં લતાવાસીઓએ જણાવ્યું હતું કે, કોઠારીયા કોલોની અને વાણીયાવાડી વચ્ચેના જે વોંકળામાં ખુલ્લા પ્લોટ પર પ્રોજેકટ કરવા આયોજન થઈ રહ્યું છે તેમાં આ વિસ્તારના પર્યાવરણ
પ્રેમીઓ દ્રારા છેલ્લા ઘણા વર્ષેાથી વૃક્ષ ઉછેરની કામગીરી કરવામાં આવતી હતી અને વૃક્ષો ઉછેરી મોટા કરવામાં આવ્યા છે. લીમડા, વડલા, રેઈન્ટ્રી, ગુલમોર, કરંજ, બોરસલી, આસોપાલવ, બીલીપત્ર, ઐંબરો, પીપળો, પીપર, ખાખરો સહિતના વૃક્ષો ઉછેરીને મોટા કર્યા છે. વડલા અને લીમડા ૪૦ વર્ષેા કરતા પણ વધુ જુના હોય ઘેઘુર બની ગયા છે. દરેક વૃક્ષોને નંબર પણ આપેલ છે અને કુલ ૭૫ વૃક્ષો હાલમાં હયાત છે ત્યારે મહાનગરપાલિકાના પ્રોજેકટ હેઠળ વૃક્ષોનું નિકંદન નીકળી જશે અને ખુદ મહાનગરપાલિકા જ વૃક્ષોનું છેદન કરે એવી ભિતી સેવાઈ રહી છે.
હાલ કોઠારીયા કોલોનીને ટચ માસ્તર સોસાયટીથી આગળ વોંકળો મોટા પાઇપ નાખી પેક કરવામાં આવ્યો છે ત્યારે આ સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા બધં થઈ જતા આ વિસ્તારના બંગલાઓમાં ઘરમાં પાણી ઘૂસી જાય છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ વોકળા ઉપર કે નદીના કુદરતી પાણીના નિકાલની વ્યવસ્થા અવરોધી ન શકાય તેમ છતાં ખુદ મહાપાલિકા દ્રારા વોકળા ઉપર બે માળનું બિલ્ડીંગ આ પ્રોજેકટ હેઠળ ખડકી દેવામાં આવશે ત્યારે કોઠારીયા કોલોની અને માસ્તર સોસાયટીના વિસ્તારના રહેવાસીના ઘરમાં પાણી ઘૂસી જાય તેવા સંજોગો નિર્માણ થશે. ખુદ મહાપાલિકા તત્રં જ નિયમનો ભગં કરી વિકાસના નામે વોકળા ઉપર બે માળનું બિલ્ડીંગ બનાવનાર હોય તે મુદ્દે લતાવાસીઓમાં ચિંતાની લાગણી પ્રસરી છે.
વોર્ડ નં.૧૪માં વિકાસના નામે આગામી દિવસોમાં થનારા વૃક્ષ છેદનની અને વોંકળા ઉપર તોતિંગ બાંધકામ અટકાવવા તેમજ વોર્ડ નં.૧૪માં અન્ય સ્થળે ઉપરોકત બંને પ્રોજેકટો અંગે ફેર વિચારણા કરવા મુખ્યમંત્રી, મેયર, મ્યુનિસિપલ કમિશનર, વોર્ડના કોર્પેારેટરો તેમજ સિટી ઇજનેર વિગેરેને કોઠારીયા કોલોની યુવા ગ્રુપ દ્રારા જાણ કરાઇ છે. આ મામલે વિસ્તારના રહીશો દ્રારા આજથી આંદોલનના મંડાણ કરી દેવામાં આવશે તેમ કોઠારીયા કોલોની યુવા ગ્રુપના પ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું