BREAKING NEWS

રાજકોટના જન્માષ્ટમી લોકમેળાનું બુધવારે રેસ્કોર્સ ગ્રાઉન્ડમાં રંગારંગ ઉદ્ઘાટન

  • August 31, 2026 10:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આગામી બુધવાર તા.૨ સપ્ટેમ્બરથી જન્માષ્ટમી લોકમેળાનો રંગારંગ પ્રારંભ થવા જઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા અને લોકપ્રિય એવા આ લોકમેળાને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આગામી તા. ૨થી ૬ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ‘વિરાસતથી વિકાસ’ લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે તેવી શક્યતા વચ્ચે તંત્ર દ્વારા સલામતી, ટ્રાફિક વ્યવસ્થા, સ્વચ્છતા સહિતની કામગીરી પૂર્ણતાના આરે પહોંચી છે.લોકમેળાના ઉદ્ઘાટન પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક અને રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પાંચ દિવસ સુધી ચાલનારા મેળામાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકો પરિવાર સાથે મનોરંજન માણવા પહોંચશે. મેળામાં બાળકો તેમજ પરિવારજનો માટે વિવિધ પ્રકારના આકર્ષણો ઉભા કરવામાં આવ્યા છે. મેળામાં ૧૦૦ રમકડાંના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે, જ્યાં બાળકો માટે વિવિધ પ્રકારના રમકડાં અને આકર્ષક વસ્તુઓ ઉપલબ્ધ રહેશે. ઉપરાંત ૪૮ ખાણીપીણીના સ્ટોલ પણ ફાળવવામાં આવ્યા છે. અહીં વિવિધ પ્રકારની ફરસાણ, નાસ્તા અને અન્ય ખાદ્યચીજોનો સ્વાદ માણી શકાશે. ખાણીપીણીના સ્ટોલ પર ગુણવત્તા અને સ્વચ્છતા જળવાય તે માટે તંત્ર દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. મેળાનું મુખ્ય આકર્ષણ ગણાતી ૩૪ યાંત્રિક રાઇડ્સ તેમજ ૨૭ ચકરડી પણ લોકો માટે ખુલ્લી મૂકવામાં આવશે. રાઇડ્સની સલામતી અને ગુણવત્તાની ચકાસણી બાદ જ તેને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત ૨ એક્સ્પો પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. લોકમેળામાં ભીડને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત, કંટ્રોલ રૂમ, પાર્કિંગ, પીવાના પાણી, વીજળી, આરોગ્ય સેવા અને ઇમરજન્સી વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા મેળો સલામત અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે વિવિધ વિભાગો વચ્ચે સંકલન કરવામાં આવ્યું છે. બુધવારે લોકમેળાના ઉદ્ઘાટન સાથે જ રાજકોટમાં જન્માષ્ટમીની ઉજવણીનો માહોલ વધુ રંગીન બનશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application