આંગણવાડી કર્મચારીઓના વેતન સહિતના પડતર પ્રશ્નોનો ઉકેલવાની માંગ સાથે રેલી
આંગણવાડી કર્મચારીઓના વેતન સહિતના પડતર પ્રશ્નોનો ઉકેલવાની માંગ સાથે રેલી
August 10, 2026 03:10 PM
રાજ્યના આંગણવાડી કર્મચારીઓ અને હેલ્પરોના લઘુત્તમ વેતન સહિત વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તથા સેન્ટર ઓફ ઈન્ડિયન ટ્રેડ યુનિયન દ્વારા સરકાર સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનોએ હોસ્પિટલ ચોકથી કલેકટર કચેરી સુધી રેલી યોજી કચેરીના કમ્પાઉન્ડમાં ધારણા કર્યા હતા. કર્મચારીઓની માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી સપ્ટેમ્બરમાં વિશાળ મહાપડાવ આંદોલન યોજવાની જાહેરાત કરવામાં આવી છે.
સંગઠન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આંગણવાડી કાર્યકરો દ્વારા વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણમાં મહત્વની ભૂમિકા ભજવવામાં આવે છે. પોલિયો નાબૂદી સહિતના કાર્યક્રમોમાં ૧૦૦ ટકા સહયોગ આપવા છતાં આંગણવાડી વર્કર અને હેલ્પરોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ કરવામાં આવતું નથી. કર્મચારીઓના જણાવ્યા મુજબ બાળકો અને સગર્ભા માતાઓને લગતી કામગીરી સહિત વિવિધ જવાબદારીઓ સતત વધતી રહી છે, પરંતુ તેના પ્રમાણમાં વેતન અને અન્ય સુવિધાઓમાં યોગ્ય વધારો થયો નથી. સંગઠને સરકાર સમક્ષ આંગણવાડી કર્મચારીઓ તથા હેલ્પરોના વેતનમાં વધારો સહિતની માંગણીઓ રજૂ કરી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મોંઘવારીમાં વધારો થયો હોવા છતાં કર્મચારીઓના વેતનમાં તેની સરખામણીમાં પૂરતો વધારો થયો નથી. સંગઠનનું કહેવું છે કે આંગણવાડી કર્મચારીઓ લાંબા સમયથી પોતાની વિવિધ માંગણીઓ માટે રજૂઆતો અને આંદોલન કરી રહ્યા છે. અગાઉ પણ સરકાર સમક્ષ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હોવા છતાં સંતોષકારક ઉકેલ આવ્યો નથી. હવે સરકાર તાત્કાલિક નિર્ણાયક બેઠક યોજી પ્રશ્નોનો ઉકેલ લાવે તેવી માંગ કરવામાં આવી છે. જો સરકાર દ્વારા માંગણીઓ અંગે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો સપ્ટેમ્બરમાં ગાંધીનગર ખાતે મહાપડાવ યોજી આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપવામાં આવી છે.