BREAKING NEWS

જામનગર : શહેરમાં કુતરાની ફરીયાદોનો નિકાલ કર્યા વિના જખજ કરી દેવાતા હોવાની રાવ

  • December 23, 2025 06:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગલીગલીએ કુતરાઓનો ત્રાસ વધી ગયો છે, કોર્પોરેશન કહે છે કે, અમે કુતરા પકડીએ છીએ અને કુતરાને ખવડાવું હોય તો આઠ જેટલા ફીડીંગ ઝોન પણ શરૂ કરી દેવાયા છે, પરંતુ આ વ્યવસ્થા સામે લોકોમાં પણ અનેક ફરિયાદો ઉઠી છે, મહાપાલીકાની વેબસાઇટ કે ફરીયાદ કેન્દ્રમાં કુતરાના ત્રાસ અંગે ફરિયાદ લખાવવામાં આવે તો તરત જ તેનો નિકાલ થતો નથી, એટલું જ નહીં તમારી ફરિયાદ ઉકેલાઇ ગઇ છે તેમ એસએમએસમાં કહી દેવામાં આવે છે, હકીકતમાં આ ફરિયાદ ઉકેલાતી નથી તેવું જાણવા મળેલ છે, ખોટી રીતે આ પ્રકારના આશ્ર્વાસન આપતા એસએમએસ કરાતા હોવાની પણ વ્યાપક ફરિયાદો ઉઠી છે. 


જામનગર શહેરમાં તમામ શેરીઓમાં કુતરાનો ત્રાસ વધી ગયો છે, કેટલાક લોકોને કુતરા બાઇટ કરે છે અને તેમને ઇન્જેકશન લેવા પડે છે, સરકારી કાયદા મુજબ હવે જાહેરમાં કુતરાને ખવડાવાની મનાઇ કરવામાં આવી છે, તેની સામે જે તે મહાપાલીકા કે નગરપાલીકા હોય તેઓએ કુતરાને ખવડાવા માટે અલગ-અલગ ફીડીંગ ઝોન સ્થાપવામાં આવે છે. નાયબ ઇજનેર કેતન કટેશીયાના જણાવ્યા મુજબ અમોએ આઠ જેટલા વોર્ડમાં ફીડીંગ ઝોન બનાવ્યા છે, લોકોને પણ અપીલ કરીએ છીએ કે, આ જગ્યાએ તમે કુતરા માટે ખાવાનું આપો. 


દિન-પ્રતિદિન શહેરમાં કુતરાનો ત્રાસ વધતો જાય છે, ત્યારે જાણે કે મહાપાલીકા લાચાર બનીને બેઠું હોય તેમ લાગે છે, લોકોની ફરિયાદો દિન-પ્રતિદિન વધતી જાય છે, એટલું જ નહીં ફરિયાદ કરાય અને તમારી ફરિયાદ ઉકેલાઇ ગઇ છે તેવો ખોટો જવાબ પણ કોર્પોરેશન દ્વારા લોકોને મળે છે.


જામનગરના પટેલકોલોની, ગાંધીનગર, પંચવટી, સ્વસ્તીક સોસાયટી, વાલ્કેશ્ર્વરીનગર, નવાગામ ઘેડ, રણજીત રોડ, ગુલાબનગર, સેતાવાડ, હવાઇચોક, દિ.પ્લોટ, સાધનાકોલોની, રણજીતનગર, ખોડીયાર કોલોની, દિગ્જામ સર્કલ, ઇવા પાર્ક વિસ્તારમાં પણ કુતરાઓનો અસહ્ય ત્રાસ છે, અવારનવાર કોર્પોરેશનને ફરિયાદ પણ કરવામાં આવે છે, પરંતુ એમનું કોઇ સાંભળતું નથી તે પણ હકીકત છે. 


સરકારના આદેશ બાદ કોર્પોરેશન દ્વારા પણ હવે તમામ વોર્ડમાં ફીડીંગ ઝોન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, આઠ જેટલા ફીડીંગ ઝોન તો બની ગયા છે, લોકોને કહેવામાં આવે છે કે, આ જગ્યાએ તમે કુતરાનો ખોરાક નાખો. આગામી દિવસોમાં વધુ ફીડીંગ ઝોન ખુલશે પરંતુ જે રીતે લોકોને ખોટા જવાબ આપવામાં આવે છે તે અંગે મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ તપાસ કરવાની જરૂર છે, અવારનવાર ફરિયાદ કરવા છતાં પણ કયારેક જ તેમના પ્રશ્ર્નો ઉકેલાતા હોય છે તેવી છાપ કોર્પોરેશનની પડી છે. 


ખેર, કારણ જે પણ હોય જામનગરમાં કુતરાનો ત્રાસ વધી ગયો છે તેનાથી લોકો ખરેખર પરેશાન છે અને આગામી દિવસોમાં મહાપાલીકા પણ વધુ ફીડીંગ ઝોન કરે તો કુતરાનો ત્રાસ ઓછો થઇ શકે. ત્યારે કોર્પોરેશને વધુ કડક પગલા ભરવાની જરૂર છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application