BREAKING NEWS

ગુજસીટોક કેસમાં મરઘા ગેંગના સાગરિતને રાહત

  • July 21, 2026 02:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ પંથકમાં ગેંગવોર સહિત અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી ગણાતી મરઘા ગેંગ સામે ગુજરાત આતંકવાદ અને સંગઠિત અપરાધ નિયંત્રણ (ગુજસીટોક) કાયદા હેઠળ નોંધાયેલા કેસમાં આરોપી અંજુમ ઇસ્માઈલભાઈ ખીયાણીને ગુજરાત હાઇકોર્ટે નિયમિત જામીન મંજૂર કર્યા છે.કેસની વિગતો મુજબ રાજકોટ શહેર અને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વર્ષ ૨૦૧૯થી ૨૦૨૫ દરમિયાન ગેંગના સભ્યોએ પૂર્વઆયોજિત રીતે હત્યાના પ્રયાસ, જાહેરમાં ફાયરિંગ કરી લોકોમાં ભયનું વાતાવરણ ઊભું કરવું, ગેરકાયદેસર મંડળી રચી શરીર સંબંધિત ગુનાઓ આચરવા, ગૃહપ્રવેશ કરી તોડફોડ, ધમકી, ગેરકાયદે હથિયારો તથા નશાકારક પદાર્થોના વેચાણ, સરકારી મિલકતને નુકસાન અને ઘરફોડ ચોરી સહિતના કુલ ૩૮ ગુનાઓ આચર્યાનો પોલીસનો આક્ષેપ છે. આ મામલે કુલ ૨૧ આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી તપાસ પૂર્ણ થયા બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આરોપી અંજુમ ઇસ્માઈલભાઈ ખીયાણીએ તપાસ પૂર્ણ થઈ જતાં સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી, પરંતુ તે નામંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં બચાવ પક્ષે તપાસ પૂર્ણ થઈ જવા, ચાર્જશીટ દાખલ થઈ જવા તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના સંબંધિત ચુકાદાઓનો આધાર રજૂ કર્યો હતો. બંને પક્ષોની દલીલો અને રજૂ કરાયેલા ન્યાયિક દાખલાઓને ધ્યાનમાં રાખી ગુજરાત હાઇકોર્ટે અંજુમ ઇસ્માઈલભાઈ ખીયાણીને નિયમિત જામીન મંજૂર કર્યા છે. આરોપી તરફે એડવોકેટ તુષાર બસલાણી, સંજય પ્રજાપતી, મનીષ કોટક, એઝાઝ જુણાચ, નેહલબેન કે. જોષી, જગદીશ પડીયા, ભાવેશ ગોહેલ, વત્સલ ચાવડા, અક્ષય મકવાણા તથા દીપ બસલાણી રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application