ગુજરાતના રાજકારણ અને ક્ષત્રિય લોબીમાં જેમના નામનો દબદબો વર્ષોથી રહ્યો છે, તેવા રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને લઈને કાનૂની ગલિયારામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. કાયદાની ભાષામાં કહીએ તો એક કેસમાં મોટી રાહત મળી છે, પણ ભૂતકાળના કર્મોનો પડછાયો હજી પણ જેલની કોટડીની બહાર નીકળવા દે તેમ નથી. કોર્ટના આ આદેશ સાથે જ ગોંડલ પંથકની રાજકીય ચર્ચાઓ ફરી ગરમ થઈ ગઈ છે.
રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકના અને સમગ્ર ગુજરાતમાં ચકચારી બનેલા અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં આરોપી અને રીબડાના અગ્રણી અનિરુદ્ધસિંહ જાડેજાને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે આ કેસમાં તેમના રેગ્યુલર જામીન મંજૂર કર્યા છે. જો કે, આ જામીન છતાં અનિરુદ્ધસિંહ જેલની બહાર આવી શકશે નહીં. ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયાની હત્યાના ગુનામાં તેમને મળેલી આજીવન કેદની સજા હજુ પણ ચાલુ હોવાથી, તેમણે જેલના સળિયા પાછળ જ દિવસો વિતાવવા પડશે.
શું હતો અમિત ખૂંટ આત્મહત્યાનો મામલો?
ગોંડલ તાલુકા પોલીસ મથકે મે, ૨૦૨૫માં એક હૃદયદ્રાવક ઘટના ઘટી હતી, જેમાં અમિત ખૂંટ નામના યુવાને આત્મહત્યા કરી લીધી હતી. અમિતના અવસાન બાદ તેના ભાઈ મનીષ ખૂંટે પોલીસમાં ન્યાયની ગુહાર લગાવી હતી. તેમણે રાજદીપસિંહ, અનિરુદ્ધસિંહ જાડેજા અને અન્ય બે શખ્સો સામે મરી જવા મજબૂર કર્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં લાંબી કાનૂની લડત બાદ આજે ગુજરાત હાઈકોર્ટે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને અનિરુદ્ધસિંહના નિયમિત જામીન (Regular Bail) મંજૂર કર્યા છે.
કેમ બહાર નહીં આવી શકે અનિરુદ્ધસિંહ?
સામાન્ય રીતે જામીન મળે એટલે જેલના દરવાજા ખુલી જતા હોય છે, પરંતુ અનિરુદ્ધસિંહના કિસ્સામાં ભૂતકાળનો એક ગંભીર ગુનો આડે આવ્યો છે. વર્ષો પહેલાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયાના હાઈપ્રોફાઈલ મર્ડર કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા મુખ્ય આરોપી સાબિત થયા હતા. અદાલતે આ હત્યા કેસમાં તેમને આજીવન કેદ (Life Imprisonment) ની સજા સંભળાવી છે. હાલ તેઓ આ જ સજા અંતર્ગત જેલના સળિયા ગણી રહ્યા છે. આથી, નવા કેસમાં જામીન મળવા છતાં જૂની સજા ચાલુ હોવાથી મુક્તિ અશક્ય બની છે.