BREAKING NEWS

ગુજરાત સરકારનો યુવા સાહસિકો માટે નિર્ણય, આબુ-જૂનાગઢમાં પર્વતારોહકોના ભોજન ભથ્થામાં રૂ.200નો વધારો

  • November 02, 2026 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પર્વતારોહણ એ શારીરિક સામર્થ્ય, ધૈર્ય અને અદમ્ય સાહસની કસોટી છે. કલાકો સુધી ઊંચા પહાડો અને કઠિન ખડકો વચ્ચે પરસેવો પાડતા યુવક-યુવતીઓને પોતાની શારીરિક ક્ષમતા જાળવી રાખવા માટે યોગ્ય અને પૌષ્ટિક આહાર મળવો અત્યંત જરૂરી છે. આ બાબતને ધ્યાને રાખીને, ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા વાર્ષિક પર્વતારોહણ તાલીમ શિબિરોમાં ભાગ લેતા તાલીમાર્થીઓ અને પ્રશિક્ષકો માટે અપાતી ભોજન સુવિધામાં રૂ.200નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે  જે તા. 1 એપ્રિલ, 2027થી અમલી બનશે.


રાજ્ય સરકાર દ્વારા પર્વતારોહણ શિબિરોમાં તાલીમાર્થીઓ અને ઇન્સ્ટ્રક્ટરોને આપવામાં આવતા દૈનિક ભોજનના દરની મહત્તમ મર્યાદા પ્રતિદિન પ્રતિ વ્યક્તિ રૂ. 150થી વધારીને રૂ.350 કરવામાં આવી છે, જેમાં રૂ. 200નો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયનો સીધો અને વ્યાપક લાભ રાજ્યના બે મુખ્ય પર્વતારોહણ કેન્દ્રોમાં તાલીમ લેતા અનેક યુવાનોને મળશે. જૂનાગઢ સ્થિત 'પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર' ખાતે તાલીમ લેતા વાર્ષિક આશરે 230 શિબિરાર્થીઓ માટે રૂ.3.40 લાખ અને માઉન્ટ આબુ સ્થિત 'રાજ્ય પર્વતારોહણ સંસ્થા'ના વાર્ષિક આશરે 280 શિબિરાર્થીઓ માટે રૂ.7.70 લાખનો વધારાનો ખર્ચ કરવામાં આવશે. આ રીતે બંને કેન્દ્રોના કુલ 510 જેટલા યુવા સાહસિકોના ઉત્સાહ અને આરોગ્યને જાળવી રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા વાર્ષિક રૂ.11.10 લાખનો વધારાનો આર્થિક ખર્ચ કરવામાં આવશે.  


રાજ્ય યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનર હેઠળ કાર્યરત આ બંને કેન્દ્રોમાં વર્ષ દરમિયાન ૨૦થી વધુ સરકારી અને બિનસરકારી પર્વતારોહણ તાલીમ શિબિરો યોજાય છે. ભોજન ભથ્થામાં થયેલા આ વધારાથી આ શિબિરોમાં ભાગ લેનારા તાલીમાર્થીઓ અને પ્રશિક્ષકોને વધુ સારી ભોજન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી પર્વતારોહણ ક્ષેત્રે તાલીમ મેળવતા યુવા સાહસિકોના આરોગ્ય, પોષણ અને શારીરિક ક્ષમતા જાળવવાના પ્રયાસોને પ્રોત્સાહન મળશે. સાથે જ,રાજ્યમાં પર્વતારોહણ તાલીમને વધુ અસરકારક બનાવવા અને યુવા સાહસિકોના સર્વાંગી વિકાસને વેગ આપવા સહાયરૂપ બનશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application