અમદાવાદના સરખેજ વિસ્તારમાં થોડા દિવસો પહેલા પકડાયેલા MD ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીના કૌભાંડના મૂળ હવે ગુજરાત બહાર ફેલાયેલા હોવાનો મોટો ખુલાસો થયો છે. આ કેસની તપાસ આગળ વધારતા, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની અમદાવાદ અને રાજસ્થાનની સંયુક્ત ટીમોએ મોડી રાત્રે રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના ગાઢ જંગલોમાં એક અત્યંત જોખમી અને સઘન સર્ચ ઓપરેશન પાર પાડ્યું હતું. આ ઓપરેશન દરમિયાન નાર્કોટિક્સ માટે ખાસ તાલીમ પામેલા ડોગ્સની મદદથી પોલીસે બે મુખ્ય ડ્રગ્સ માફિયા, અખ્તર અને જુનેદને પકડી પાડ્યા છે. આ બંને આરોપીઓ સરખેજ ફેક્ટરી કેસમાં વોન્ટેડ હતા.
ગુજરાત અને રાજસ્થાન વચ્ચેનું નેટવર્ક તૂટ્યું
આ ધરપકડ સાથે જ ગુજરાત અને રાજસ્થાન વચ્ચે સક્રિય એક મોટા ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે. NCBના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ બંને માફિયાઓ આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કમાં મુખ્ય સપ્લાયર તરીકે કામ કરતા હતા. તેમને પકડવા માટે પ્રતાપગઢના જંગલ વિસ્તારમાં ખાસ કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું, જેમાં ડ્રગ્સ સ્નિફર ડોગ્સે આરોપીઓને છુપાયેલા સ્થળેથી શોધવામાં મદદ કરી હતી. આરોપીઓને હવે ટ્રાન્ઝિટ રિમાન્ડ પર અમદાવાદ લાવવામાં આવશે.
આખી સાંકળ તોડવા માટે તપાસ તેજ
અગાઉ, NCBની ટીમે સરખેજના લેબેન પાર્ક વિસ્તારમાં આવેલા એક બંગલાના ભોંયરામાં દરોડા પાડીને MD ડ્રગ્સ બનાવવાની એક મીની ફેક્ટરી ઝડપી પાડી હતી. ત્યાંથી આશરે 130 કિલોગ્રામથી વધુ ડ્રગ્સ બનાવવાનું મટીરિયલ, કેમિકલ્સ અને સાધનો જપ્ત કરી મુદસ્સર પઠાણ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. મુદસ્સરની કડક પૂછપરછ દરમિયાન જ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ફેલાયેલા અન્ય ડ્રગ્સ પેડલર્સના નામ બહાર આવ્યા હતા, જેમાંથી આ બે માફિયા અખ્તર અને જુનેદ મુખ્ય હતા.
હવે અખ્તર અને જુનેદની ધરપકડ બાદ NCBની ત્રણ અલગ-અલગ ટીમો ડ્રગ્સ ઉત્પાદન અને સપ્લાયની આખી સાંકળ તોડવા માટે રાજસ્થાનના અક્રમ અને મધ્યપ્રદેશના મંદસૌરના દાનિશ જેવા અન્ય આરોપીઓને પકડવા માટે દરોડા પાડી રહી છે. જો આ તમામ આરોપીઓ પકડાઈ જાય, તો આ સમગ્ર ડ્રગ્સ રેકેટના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચી શકાશે. જપ્ત કરાયેલા કેમિકલ્સમાંથી કેટલા પ્રમાણમાં MD ડ્રગ્સ તૈયાર થવાની ક્ષમતા હતી અને તે કોને સપ્લાય થવાનું હતું, તે FSL રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે. માત્ર ત્રણ દિવસમાં બે મોટા માફિયાઓને પકડી લેતાં ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
NCBના ઝોનલ ડાયરેક્ટર ઘનશ્યામ સોનીએ પુષ્ટિ કરી છે કે, "બંને આરોપીઓને અમદાવાદ NCBની ટીમે ઝડપી લીધા છે. આવતીકાલે તેમને અમદાવાદ લાવીને વધુ તપાસ અને કડક પૂછપરછ કરવામાં આવશે."