અમેરિકાના રિપબ્લિકન સેનેટરો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખી માંગ કરી છે કે ભારત અમેરિકામાં પેદા થતી દાળ અને કઠોળ પર લાગતા ૩૦ ટકા ટેક્સ હટાવે. સેનેટરોના દાવા મુજબ, આ ટેક્સના કારણે અમેરિકી ઉત્પાદકો ભારતીય બજારમાં સ્પર્ધાત્મક ભાવમાં વેચાણ કરવા માટે મુશ્કેલી અનુભવી રહ્યા છે. ટેક્સ ઊંચો હોવાને કારણે તેમના ઉત્પાદનોની કિંમત વધુ થઈ જાય છે, જે વેપારને અસર કરે છે.
પત્રમાં સેનેટરો એ પણ નોંધ્યું છે કે ભારત વિશ્વનું સૌથી મોટું દાળ વપરાશકર્તા દેશ છે અને વિશ્વના કુલ દાળ વપરાશમાં ભારતનો આશરે 27 ટકા હિસ્સો છે. તેમનું મંતવ્ય છે કે ટેક્સ ઘટાડો કરવાથી અમેરિકી ઉત્પાદકો ભારતીય બજારમાં સરળતાથી પ્રવેશ મેળવી શકશે અને વેપાર બંને દેશો માટે લાભદાયક રહેશે.
સેનેટરોનું મંતવ્ય છે કે આવનારા સમયમાં ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં દાળ અને અન્ય કઠોળ પાક માટે અનુકૂળ નીતિઓનો સમાવેશ કરવો જોઈએ. તેનાથી બંને દેશોના ખેડૂતો અને ગ્રાહકોને લાભ મળશે અને વેપાર સંબંધો મજબૂત બનશે.
વિશેષજ્ઞો માને છે કે સેનેટરોની આ માંગણી ભારત-અમેરિકા વેપાર ચર્ચાઓમાં દાળ પર ટેક્સ મુદ્દાને મહત્વપૂર્ણ બનાવી શકે છે. ટેક્સ ઘટાડો થવાથી યુનાઇટેડ સ્ટેટ્સના કૃષિ ઉત્પાદકો માટે ભારતીય બજારમાં પ્રવેશ સરળ બનશે અને વૈશ્વિક કૃષિ વેપાર માટે આ મહત્વપૂર્ણ ફેરફાર સાબિત થઈ શકે છે.